Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાષ્ટ્રભાષા હિન્દીની હાલત ખસ્તા : કુલ હિન્દી કોલેજોમાંથી ૭ર ટકા બેઠકો ખાલી

ર૪માંથી ૧૦ કોલેજો તો એવી છે કે જેને ૧૦ વિદ્યાર્થીઓ પણ મળી શકયા નથી

રાજકોટ, તા. ૧૪ : દેશમાં અને રાજયોમાં હિન્દી દિવસ અને હિન્દી સપ્તાહની ઉજવણી ખુબ ઉત્સાહભેર થતી હોય છે પણ આ ઉત્સાહ માત્ર સીમિત લોકો પૂરતો જ રહે છે. હિન્દી રાષ્ટ્રભાષા છે પણ હિન્દી રાષ્ટ્રભાષા જેટલું સન્માન મળે છે ખરા? અત્યારે કોરોના ચાલી રહ્યો છે આથી કોલેજો અને યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓની આવ જા બંધ છે પરંતુ આવી જ લોકડાઉન જેવી સ્થિતિ હિન્દી કોલેજો અને હિન્દી ભવનોની સત્ર આખું રહે છે.

 

શાળા કોલેજોમાં હિન્દી વિષય અંગેની જાગૃતિ અથવા રુચિ ઓછી જોવા મળે છે ત્યારે હિન્દી એક ઓપશનલ વિષય બનીને હાંસિયામાં ધકેલાતો ગયો છે. હિન્દીની હાલત આવી શા માટે છે તેનો અંદાજો એ ઉપરથી માંડી શકાય છે કે હિન્દી કોલેજોમાં કેટલી સીટો ખાલી રહેલી છે, એક અંદાજ અનુસાર ગુજરાત યુનિવર્સીટીમાં ૨૪ કોલેજમાં હિન્દી બેચલર ડિગ્રી થયા છે આ કોલેજોમાં અંદાજે ૭૦% થી વધુ સીટો ખાલી છે, આ સ્થિતિ એમ જાહેર કરે છે હિન્દીની હાલત કેટલી ખસ્તા છે? હકીકતમાં આ સીટોની સંખ્યા બાબતે ત્યારે ખ્યાલ આવ્યો કે જયારે હિન્દી માટેની પ્રવેશ પરીક્ષા બે ભાગમાં પુરી થઇ અને તેમ છતાં ૨૪ માંથી ૧૦ કોલેજો એવી છે કે જેમને ૧૦ વિદ્યાર્થીઓ પણ મળી શકયા નથી. જયારે એક કોલેજમાં ૩૦ થી ૧૦૦ સુધીના વિદ્યાર્થીઓને ભરવા માટેની સીટ મંજુર છે.

શહેરોની સામે નાના ગામની સ્થિતિ હજુ સારી કહી શકાય કે નાના ગામની કોલેજોમાં હિન્દી માટે વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં મળી શકયા છે દહેગામ, ગાંધીનગર,માણસા, ધોળકાની કોલેજોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગુજરાત યુનિવર્સીટી અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૪ આર્ટ્સ કોલેજોમાં હિન્દીની ૪૪૩ સીટો જ ભરવામાં આવી છે, ૧૧૬૪ સીટો ખાલી છે ગુજરાત બોર્ડમાં ૧૪૬૧ સીટો માંથી ૪૩૮ સીટો ભરાયેલી છે એટલેકે ૭૦% સીટો હજી ખાલી છે, ગુજરાત બોર્ડ અંતર્ગત બહારની સીટની વાત થાય તો કુલ રિઝર્વ સીટ ૧૪૬ માંથી માત્ર ૩.૪% જ ભરાઈ છે કુલ ૨૪ કોલેજો માંથી માત્ર ૨ કોલેજોમાં જ બહારના વિદ્યાર્થી મળી શકયા છે.

જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વાત કરીએ તો હિન્દી ભવનના પ્રોફેસર ડો.શૈલેષ કે.મહેતા જણાવે છે કે અંદાજે ૬૦,૭૦ થી વધુ કોલેજો હશે કે જયાં સ્પેશિયલ હિન્દી વિષયમાં ડિગ્રી થાય છે. જેમાં એક કોલેજમાં અંદાજે ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ માટે સીટ અવેલેબલ હોય છે અને મોટાભાગે બધી કોલેજોમાં આ સીટ ભરાઈ જતી હોય છે, યુનિવર્સીટીના ભવનની વાત કરીએ તો ભવનમાં દરવર્ષે ૫૫ થી ૬૦ વિદ્યાર્થીઓ એડમિશન લે છે. જો Phd. સુધીની વાત કરીએ તો જે મુજબ સીટ ખાલી થાય છે તે તમામ સીટ ભરાઈ જાય છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે દરેક ક્ષેત્રમાં હિન્દીનું મહત્વ છે નાનામાં નાની નોકરી વેઇટરની હોય તો ત્યાં પણ હિન્દી ભાષા આવડવી જરૂરી છે અને અભિનય ક્ષેત્રે કે કલાસ ૧ સુધીના ક્ષેત્રે કારકિર્દી માટે હિન્દી જરૂરી છે જ.

ડો. શૈલેષ કે. મહેતા પ્રોફેસર હિન્દી ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ.

(3:55 pm IST)