Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સાવચેતી એજ સલામતી : એરપોર્ટ ખાતે ઓથોરિટી સાથે રાજકોટ મનપાની ખાસ બેઠક મળી : પેસેન્જરોના સ્ક્રીનિંગ અને રેન્ડમ એન્ટીજન ટેસ્ટની ખાસ વ્યવસ્થા કરતી રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી અને કોરોનાનો સામનો કરવા માટે લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ ત્વરિત અમલી બનાવવામાં આવી રહયા છે તે વિશે ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નક્કી થયા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટના પેસેન્જરોના સ્ક્રીનિંગ અને રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે જ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવશે.  

        રાજકોટમાં મુકાયેલા સિનિયર આઈ.એ.એસ. અધિકારી શ્રી મિલિન્દ તોરવણે, મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, ખાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખટાલે, નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણી અને એરપોર્ટ ડાઇરેક્ટર શ્રી શર્મા સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતુ અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે મુસાફરોના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવા અંગેના પગલાંઓ ગંભીરતાથી અમલમાં મુકવામાં આવી રહયા છે તેની ચર્ચા કરવામાં આવી હતી.

        વધુમાં, અઠવાડિયામાં ૧૨ ફ્લાઈટ અવરજવર કરાશે અને સરેરાશ ૨૦૦૦ જેટલા પેસેન્જરોની અવરજવર થશે. જેમાં તમામ મુસાફરોના સ્વાસ્થ્યની તકેદારી લેવામાં આવશે અને આવશ્યકતા અનુસાર જે તે મુસાફરોના એન્ટીજન ટેસ્ટીંગ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આવતા-જતા તમામ પેસેન્જરોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે તેમજ પેસેન્જરને શરદી, ઉધરસ, તાવ છે કે નહી તે પણ ચકાસવામાં આવશે.

        આવતી કાલથી રાજકોટ – મુંબઈ દરરોજ ફ્લાઈટ સેવા શરૂ થશે અને ૧૮ મી થી રાજકોટ – દિલ્હી ફ્લાઈટ સેવા પણ ચાલુ કરવામાં આવશે. એરપોટ ઓથોરીટી દ્વારા પેસેન્જરોનું લીસ્ટ અગાઉથી રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવશે તેમજ મનપા લીસ્ટમાં સામેલ પેસેન્જરને ઘરે પણ આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે.

        કોરોનાનો ફેલાવો અટકાવવામાં જનજાગૃતિ સૌથી મોટું હથિયાર છે. આ માટે રાજકોટ મનપા અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા લોકોને જાગૃત અને સતર્ક કરવા ફેઈસ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, સ્વચ્છતા જાળવવા, છીંક કે ઉધરસ આવતી વખતે મ્હો રૂમાલથી કવર કરવા, હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તે મુદ્રાનો પ્રયોગ કરવા સહિતના પગલાંઓ અંગે જાગૃત રહેવા અવરજવર કરતા પેસેન્જરોને પ્રશિક્ષિત કરવામાં આવી રહયા છે.

(7:20 pm IST)