Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વોર્ડ નં. ૧૦માં પાણીની સમસ્યા નથી છતાં વિપક્ષી ઉપનેતાનો ખોટો હોબાળોઃ મેયર

મનસુખભાઇ સસ્તી પ્રસિધ્ધી મેળવવા બે બાકળા બન્યા છે : બીનાબેન આચાર્યનો આક્ષેપ

રાજકોટ,તા. ૧૫: મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન આચાર્ય તેમજ કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા તથા કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા એક સયુંકત યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૦માં શિલ્પન રેસિડેન્સીમાં ધીમા ફોર્સથી પાણી મળવા બાબતની વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અન્વયે, વોર્ડના વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા સ્થાનિકે શિલ્પન રેસિડેન્સીમાં પાણી વિતરણના સમય દરમ્યાન પાણી ચેક કરતા, અભિષેક એપાર્ટમેન્ટના એક કનેકશનમાં ફોલ્ટ જણાયેલ છે. જે રીપેરીંગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં નિયત ચાર્જ ભરપાઈ કરી, ફોલ્ટવાળું નળ કનેકશન રીપેર કરવા સુચના આપવામાં આવેલ છે.

જેથી હકીકતમાં ઓછા ફોર્સથી પાણી મળતું હોવા અંગે નળ કનેકશન ખરાબ હોવા અંગેનો ટેકનિકલ ફોલ્ટ છે. વોટર વર્કસ શાખા તો સંબંધિત વોર્ડ વિસ્તારમાં નિયમિતપણે પુરતા ફોર્સથી પાણી વિતરણ કરે જ છે.

આમ, વોર્ડ વિસ્તારના લોકો તો શું પરંતુ કોંગ્રેસ પક્ષમાં પણ મનસુખભાઈનો કોઈ ભાવ પૂછતું નથી. જેથી યેન કેન પ્રકારે સસ્તી પ્રસિદ્ઘિ મેળવવા અને વોર્ડ વિસ્તારના લોકો તથા કોંગ્રેસ પક્ષની સહાનુભૂતિ મેળવવા માટે મનસુખભાઈ બેબાકળા બન્યા છે અને મનસુખભાઈ માટે 'દુઃખે છે પેટ અને કૂટે છે માથું'  એવો તાલ સર્જાયો છે. એમ અંતમાં મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન આચાર્ય તેમજ કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા તથા કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાએ અંતમાં જણાવ્યું હતું.

(3:47 pm IST)