Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

દિવાળીની રાતે નવાગામમાં શેરીમાં સ્પીડથી બાઇક ચલાવવા મામલે ધમાલઃ સાજીદે લાકડીથી હાર્દિક અને મિત્ર અક્ષયને ફટકાર્યા

રાજકોટઃ દિવાળીની રાતે નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં બે યુવાન પર સાજીદ શાહમદારે લાકડીથી હુમલો કરી માથામં ગંભીર ઇજા કરતાં તેમજ છરીથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝન પોલીસે આ અંગે થાન તરણેતર રોડ પર રહેતાં અને હાલ ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં હાર્દિક હસમુખભાઇ સોઢા (રાવળદેવ) (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી નવાગામના સાજીદ શાહમદાર સામે ગુનો નોંધ્યો છે.

હાર્દિકના કહેવા મુજબ હું અને મારો મિત્ર અક્ષય રાજુભાઇ માંડા અક્ષયના બાઇકમાં બેસીની નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં સાજીદના ઘર પાસેથી નીકળતાં સાજીદે અક્ષયનું બાઇક અટકાવી ગાળો દઇ 'તને શેરીમાંથી અગાઉ પણ ફુલ સ્પીડથી નીકળવાની ના પાડી છે તો'ય કેમ સમજતો નથી?' કહી લાકડીથી હુમલો કરી મને તથા અક્ષયને માથા-શરીરે આડેધડ ઘા ફટકાર્યા હતા. તેમજ નેફામાંથી છરી કાઢી અક્ષયને માથા વચ્ચેના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા કરી હતી. પીએસઆઇ પી.એ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)