Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાંજથી પ્રચાર - પડઘમ બંધ : કાલે ૬ હજારનો સ્ટાફ બૂથ પર રવાના

૪૦૦૦નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ૧૦૦-૨૦૦ મીટરની ત્રીજ્યા સહિતની બાબતે કલેકટરના ત્રણ મહત્વના જાહેરનામા : કુલ ૯૯૧ મતદાન મથકો : ૧૯૭ સંવેદનશીલ તો ૧૯ અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર : છેલ્લી ઘડીની મીટીંગનો ધમધમાટ

રાજકોટ તા. ૧૯ : રવિવારે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે, રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોના ૯૯૧ મતદાન મથકો ઉપર શહેરની ૧૦ લાખ ૯૧ હજારથી પ્રજા પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે, આમાં ૧૮ વર્ષની વયના ૩૮ હજારથી યુવા મતદારો છે, તો ૧૮ થી ૨૫ અને ૩૦ વર્ષની વયના ૨ાા લાખ મતદારો હોવાનું નોંધનીય છે.

દરમિયાન આજે સાંજે ૫ વાગ્યાથી રાજકોટમાં ચૂંટણીના જાહેર પ્રચાર - પડઘમ બંધ થઇ જશે, ચૂંટણી પંચનો આ નિયમ છે. તેમજ બહારથી આવેલા કાર્યકરો - નેતાઓને પણ સાંજે ૫ વાગ્યા બાદ રાજકોટ છોડી દેવા આદેશો કરાયા છે.

કલેકટરે ગઇકાલે મોડી સાંજે ૧૦૦ અને ૨૦૦ મીટરની ત્રીજ્યામાં પ્રચાર - પ્રસાર નહિ કરવા તથા ટીવી ઉપર જાહેર પ્રચાર નહિ કરવા સહિતની બાબતે અને કોવીડ ગાઇડ લાઇન બાબતે ત્રણ નવા મહત્વના જાહેરનામા પણ જાહેર કર્યા છે.

દરમિયાન કાલે બપોરે ૧૨ વાગ્યા પછી એટલે કે સંભવતઃ ૨ વાગ્યાથી રાજકોટમાં ૬ સ્થળે આર.ઓ. દ્વારા નક્કી કરાયેલ રિસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટરો ઉપરથી ૬ હજારનો પોલીંગ સ્ટાફ કુલ ૯૯૧ મતદાન મથકો ઉપર રવાના થઇ જશે અને ૪ વાગ્યા બાદ આ તમામ સ્ટાફ પહોંચી ગયો તે અંગે ઝોનલ ઓફિસરો પોતાના આર.ઓ.ને રીપોર્ટ કરી દેશે, તમામ સ્ટાફનું થર્મલગનથી ખાસ ચેકીંગ થશે અને બાદમાં રવાના કરાશે, આ ૬ હજારનો સ્ટાફ બુથ ઉપર જ રાત્રી રોકાણ કરશે અને રવિવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ કરી દેશે.

રીસીવીંગ - ડીસ્પેચીંગ અને મતગણતરી સ્થળ

મહાનગરપાલિકાના વોર્ડનં-૧ થી ૩ માટે  ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ વીરબાઇમા મહિલા કોલેજ, નિર્મલા રોડ, ફાયરબ્રીગેડ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડ નં-૪ થી ૬ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૭ થી ૯ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ શ્રી એસ.વી. વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુ ગઢવી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૦ થી ૧૨ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.વી. પારેખ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓલ્ડ બીલ્ડીગ (એ.વી.પી.ટી.) ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૩ થી ૧૫ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ / રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રહેશે. જયારે વોર્ડનં-૧૬ થી ૧૮ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇન રોડ, વાણીયા વાડી, રાજકોટ ખાતે રહેશે.

(3:12 pm IST)