Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ધૂલ કા ફૂલ...કોણ બન્યું બેરહેમ?: ધોકાને દિવસે ચારેક મહિનાના પુત્રને કુવાડવામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયો

બાળક કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળઃ કુવાડવા પોલીસે ત્યજી દેનાર માતા-પિતા : અથવા રખેવાળ સામે ગુનો નોંધ્યોઃ કોઇને બાળક વિશે માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૯: એવું અનેક વખત બન્યું છે કે નવજાત દિકરીઓને તરછોડી દેવામાં આવી હોય. પરંતુ દિવાળીના તહેવારમાં ધોકાને દિવસે કુવાડવા ગામમાં આવેલા મંદિર પાસે એક આશરે ૪ થી ૫ મહિનાની વય ધરાવતા બાળક (પુત્ર)ને કોઇ કચરાના ઢગલામાં તરછોડી જતાં અરરટી વ્યાપી ગઇ છે. આ બાળકને કોણ અને શા માટે તરછોડી ગયું? તે અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકને કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે કુવાડવા ગામમાં રહેતાં મસ્જીદવાળી શેરીમાં રહેતાં નદીમશા હાસમશા સરવદી (ફકીર) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી બાળકને ત્યજી દેનારા માતા-પિતા અથવા રખેવાળ વિરૂધ્ધ આઇપીસી ૩૧૭ મુજબ ગુનો નોંધ્યો છે. નદીમશા ધોકાના દિવસે સાંજે પોણા ચારેક વાગ્યે ગામના ભિમેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મંદિર પાસે પંચાયતના કચરાના ઢગલામાં એક બાળકને રડતું જોતાં તે ત્યાં દોડી ગયો હતો. આસપાસ તપાસ કરતાં કોઇ જોવા ન મળતાં નદીમશાએ આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

બાળકને ગરમ સ્વેટર પહેરાવાયેલુ હતું. પોલીસ કન્ટ્રોલ રૂમ મારફત જાણ થતાં કુવાડવાના પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. મેઘલાતર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી આશરે ૪ થી ૫ માસની વય ધરાવતાં બાળક (પુત્ર)ને કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. બાળકને કોણ અને  શા માટે આ રીતે કચરામાં તરછોડી ગયું? કોણ નિર્દયી-બેરહેમ બન્યું? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં દેખાતા બાળક વિશે કોઇને કોઇપણ પ્રકારની માહિતી હોય તો કુવાડવા પોલીસનો અથવા પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:15 pm IST)