Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

લોધેશ્વરમાં કનકભાઇ અને તેના પત્નિ પર કાળીયો અને ટોયટાનો છરીથી હુમલો

ઝઘડો કરતાં ભત્રીજા અને તેની પત્નિને સમજાવવા ગયા ત્યારે બંને કારણવગર વચ્ચે પડી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૧: લોધેશ્વર સોસાયટીમાં લોધા દંપતિ પડોશમાં રહેતાં પોતાના ભત્રીજા અને તેની પત્નિને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં બીજા બે શખ્સોએ કારણ વગર વચ્ચે પડી લોધા આધેડને છરીથી ઇજા કરી તેમજ તેમના પત્નિને ઢીકાપાટુનો માર મારતાં ફરિયાદ થઇ છે.

આ અંગે માલવીયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટી-૩માં રહેતાં અને છુટક મજૂરી કરતાં કનકભાઇ મણીરામ કારેલીયા (લોધા) (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી દિનેશ ઉર્ફ કાળીયો બાબુભાઇ ઝરીયા અને ટોયટો ઉર્ફ કાળીયો પરેશભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

મંગળવારે રાતે સવા દસેક વાગ્યે કનકભાઇ ઘરે આવ્યા ત્યારે સામે જ રહેતો ભત્રીજો ધવલ અને તેની પત્નિ ભાવિકા ઘર પાસે અંદરો અંદર બોલાચાલી કરતાં હોઇ કનકભાઇ અને તેના પત્નિ ઉષાબેન આ બંનેને સમજાવવા ગયા હતાં. આ વખતે દિનેશ અને ટોયટાએ છરી સાથે આવી કારણ વગર ધવલ અને ભાવિકા સાથે ઉશ્કેરાટથી બોલવા માંડતા તેને ધીમે વાત કરવાનું કહેતાં કાળીયાએ છરીનો ઘા કનકભાઇના કપાળે મારી દઇ પેટમા઼ ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ બીજાએ ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. તેમના પત્નિ ઉષાબેન વચ્ચે આવતાં તેને પણ મારકુટ કરી લેવાઇ હતી.

માલવીયાનગરના પીએસઆઇ પી. પી. રાણાએ જરૂરી કાર્યવાહી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(10:25 am IST)