Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોનામાંથી સાજા થયા પછી પણ સાવધાની જરૂરી

તંદુરસ્ત ખોરાક અને તંદુરસ્ત વિચારો અકસીર ઇલાજ : સારૂ વાંચન કે સારૂ સંગીત સાંભળો

રાજકોટ : કોરોના સંક્રમણ બાદ સાજા થયેલ દર્દીઓને ફરીથી તંદુરસ્ત જીવન જીવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવા કેટલીક પરેજીની જરૂર રહે છે. કેમ કે કોરોના વાયરસની અસરને કારણે શરીરની રોગ પ્રતિકારક શકિતમાં ખુબ ઘટાડો થઇ ગયો હોય છે. કોરોના વાયરસના હળવા લક્ષણો પણ હ્ય્દય, ફેફસા અને મગજને નુકશાન પહોંચાડી શકે છે.

આ દરેક નુકસાનને પહોંચી વળવા માટે એટલે કે શરીરના સમારકામ અને શરીરમાં નુકશાન થયેલ દરેક અંગોમાં નવા હેલ્ધી કોષોના નિર્માણ માટે યોગ્ય તંદુરસ્ત અને જરૂરીયાત મુજબનો આહાર એ મુખ્ય ભુમિકા ભજવે છે. શરીરના સમારકામ માટે વધુ પ્રોટીનની જરૂરી છે. આ પ્રક્રીયાને આગળ વધારવા માટે ખનીજ તત્વોની અને વિટામિન્સની જરૂર પડે છે. આ માટે આપણે શું કરી શકીએ તેને વિગતે જોઇએ.

(૧) પ્રોટીનથી ભરપૂર ખોરાક :  પ્રોટીનથી રીચ ફૂડ એ શરીરની ક્ષતિગ્રસ્ત પેશીઓને સુધારવા અને રોગ પ્રતિકારક શકિતને વધારવા માટે ખુબજ જરૂરી છે. ઉપરાંત રોગ પછીની નબળાઇને દૂર કરવામાં મદદ રૂપ છે. કઠોળ, બાફેલ મગફળી, ગાયનું દૂધ, દહીં, પનીર , સોયા વગેરે પ્રોટીનથી ભરપૂર ખોરાક છે. દરરોજનું ૬૦ થી ૬૫ ગ્રામ જેટલુ પ્રોટીન ખોરાકમાં લેવુ જોઈએ.

(૨) હાઈ કેલેરીવાળો ખોરાક પસંદ કરવો : વધારે કેલેરીવાળો ખોરાક લેવાથી શરીરને ચેપ સામે લડવાની વધારે શકિત મળે અને ઝડપથી રીકવરી આવે છે. આખા અનાજ, બટાકા, બ્રેડ, પાસ્તા, ચોખા, દૂધ, એવોકાડો, ગોળ, શેકેલા ચણા વગેરે જેવા ખોરાકમાં ખુબ સારા પ્રમાણમાં કેલેરી હોય છે.

(૩) હાઈડ્રેટેડ રહો :  બિમારીને લીધે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછુ થયુ હોય છે માટે ઝડપથી રીકવરી માટે પુષ્કળ પાણી પીવું જોઈએ તેમજ હુંફાળુ વેજીટેબલ સુપ દિવસમાં ઓછામાં ઓછા બે વખત લેવા જોઈએ.

(૪) પસંદગીનો ખોરાક લ્યો : કોરોના વાયરસનો ચેપ ઘણીવાર સુગંધ અને સ્વાદને અસર કરે છે. માટે મનપંસદ પરંતુ તંદુરસ્ત ખોરાક લેવો જોઈએ દરરોજ ૨ કપ ફળ, ૨.૫ કપ શાકભાજી, ૧૮૦ ગ્રામ અનાજ, ૧૦૦ ગ્રામ કઠોળ લેવા જોઈએ. કઠોળ અને શાકભાજી કાચા ખાવાને બદલે તેને પકાવીને ખાવા જોઈએ.

(૫) ફેટવાળા પદાર્થોનું પ્રમાણ ઘટાડો : ફેટવાળા પદાર્થોનો ઉપયોગ મધ્યમ કરવો જોઈએ. અસંતૃપ્ત ચરબીવાળા ખોરાક જેવા કે બદામ, સુર્યમુખી, મકાઈનું તેલ વગેરે ઉપયોગમાં લેવા અથવા ગાયના ઘી નો કે બટરનો ઉપયોગ કરી શકાય. જે શરીરને શકિત આપે છે.

(૬) કારર્બોહાઇડ્રેટસ વધુ લ્યો : કોરોના વાયરસના ચેપને લીધે ઘણીવાર દર્દીને પલ્મોનેરી ફાઇબ્રોસીસ થયેલ જોવા મળે છે. પલ્મોનેરી ફાઇબ્રોસીસમાં મહત્વના ખોરાક - કેળા, કેરી, અનાનસ, સફરજન, બ્લુબેરી જેવા ફળોમાં ખુબ સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, એન્ટી ઓકસીડન્ટ અને પોટેશીયમ હોય છે. જે દર્દીને ખુબ સારૂ પોષણ પુરૂ પાડે છે. નાળીયેર પાણીમાં કુદરતી રીતે ઇલેકટ્રોલાઇટસ રહેલા છે. જે દર્દી માટે ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત દર્દીને મલ્ટી ગ્રેઈન હુંફાળી રાબ આપવી જોઈએ. કોળુ, દૂધી, ગાજર, બીટ અને પરવળ જેવા શાકભાજીના હુંફાળા સુપ પલ્મોનેરી ફાઈબ્રોસીસ માટે ઉતમ આહાર ગણાય. પલ્મોનેરી ફાઇબ્રોસીસ માં અપાતો ખોરાક મોટા ભાગે હુંફાળો હોવો જોઈએ.

એક સમયે વધારે જમવા કરતા થોડા થોડા સમયાંતરે પ્રમાણસર માત્રામાં જમવુ જોઈએ. કોરોના વાયરસના ચેપને લીધે ઘણીવાર દર્દી માનસીક અસ્વસ્થ જોવા મળે છે. આવી પરીસ્થિતિમાં દર્દીએ યોગા, પ્રણાયામ તથા હળવી કસરતો કરવી જોઈએ.  સારૂ વાંચન કે સારૂ સંગીત સાંભળવુ જોઈએ. જે મનનો ખોરાક છે. સાજા થયેલા દર્દીને ખુબ પોઝીટીવ વાતાવરણ આપવુ જોઈએ. તંદુરસ્ત ખોરાક અને તંદુરસ્ત વિચારો એ કોઈપણ બિમારીને દૂર કરવાનો અકસીર ઈલાજ છે.

- પુજા કગથરા, રાજકોટ

કન્સલ્ટન્ટ ડાયેટીશ્યન મો.૯૪૨૯૪ ૨૨૯૯૫

(11:10 am IST)