Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સિવિલ કોવિડ હોસ્પિટલને 'કોરોના મુકિતધામ' ગણાવે છે વૃંદાવનભાઇ

તેમના પત્નિએ પણ લીધી કોરોનાની સારવારઃ સિવિલમાં મળેલી સુવિધાના બે મોઢે વખાણ કર્યા

રાજકોટ : સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના મુકિતધામ તરીકે ગણાવતા ૭૮ વર્ષીય નિવૃત કર્મચારી વૃન્દાવનભાઈ ગગલાણી હાલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સાથે તેમના ધર્મપત્ની કુશુમબેન પણ સિવિલમાં જ કોરાનાની સારવાર લઈ રહ્યા છે.

અહીંની સારવાર અને સ્ટાફનો સધિયારો પૂરો પાડતા માનવતાલક્ષી અભિગમના બે મોઢે વખાણ કરતા વૃન્દાવનભાઈ કહે છે કે, સિવિલ વિષે લોકોમાં મતમતાંતર છે અને સિવિલ અંગે બહુ ગપગોળા લોકો ચલાવતા હોઈ છે કે સિવિલ હોસ્પિટલમાં કોઈ ધ્યાન નથી દેતું,  પરંતુ અહીંની સગવડ અને સારવારનો પ્રત્યક્ષ અનુભવ કરતા મને લાગે છે કે સિવિલમાં જે પ્રમાણે દર્દીઓની સારસંભાળ લેવામાં આવે છે તે બીજે શકય નથી.  આ ઉંમરે અમને બંનેને કોરોના થતા દુઃખની ઘડીમાં સધિયારો આપવા બદલ અહીંના સિવિલ સર્જન, લેબોરેટરી વિભાગ, ડોકર્સ તેમજ નર્સિંગ સ્ટાફ પ્રત્યે તેવો કૃતજ્ઞ ભાવ વ્યકત કરતા જણાવે છે કે, મને કોઈપણ પ્રકારની તકલીફ થવા દીધી નથી. મારી પત્નીની પણ સ્ટાફ દ્વારા સારી રીતે સારસંભાળ લેવામાં આવી રહી છે જે બદલ અમે તેઓના ખુબ ખુબ આભારી છીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કુદરતી આફત સમાન કોરોના મહામારીમાં જે રીતે  પગલાં લીધા છે તે માટે તેઓ ખુબ જ આભારની લાગણી વ્યકત કરતા કહે છે કે, કોરોન સંક્રમિત તમામ દર્દીઓને સારી રીતે સારવાર મળી રહે તે માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યા છે. રાજકોટને આવી સરસ હોસ્પિટલ આપી છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ તકેદારી રાખીએ. કોરોનાના સંક્ર્મણથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ તેમ લોકોને અપીલ કરે છે.રાજકોટ સિવિલ ખાતે નિઃશુલ્ક સારવાર લીધા બાદ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઈ એકી સુરે અહીંની સેવાસુશ્રુષા વિષે સંતોષ વ્યકત કરી આશીર્વાદ પાઠવે છે. સિવિલમાં પસાર કરેલા દિવસો દર્દીઓનું જીવનભરનું સંભારણું બની રહે છે.

(3:10 pm IST)