Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલ શાળાના પ્રિન્‍સીપાલે ચાર છાત્રાઓને વારંવાર ઓફિસમાં પુરી અડપલા કર્યા

હરિ ધવા રોડ પરની શાળામાં ખળભળાટ મચાવતી ઘટનાઃ અવાર-નવાર બાળાઓ સાથે થતી હતી ગંદી હરકતો : એક બાળાએ માતાને વાત કરતાં ભાંડો ફુટયોઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, નિલેષભાઇ મકવાણા અને ટીમે ગુનો દાખલ કરી વિકૃત પ્રિન્‍સીપાલને દબોચ્‍યોઃ ૩૫ વર્ષનો પ્રિન્‍સીપાલ પોતે પણ બે સંતાનનો પિતાઃ બીજી કેટલીક બાળાઓ પણ ભોગ બની : ૩૭ વર્ષનો પ્રિન્‍સીપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા પરણેલો છેઃ અન્‍ય એક સ્‍કૂલનો પણ સંચાલકઃ ૧૧થી ૧૪ વર્ષની બાળાઓ સાથે જાતીય સતામણી : આઠ વર્ષ જુની શાળામાં ૬૦ વિદ્યાર્થીઓ ભણે છે તે પૈકી ૪૨ છાત્રો (રાઇટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ) આરટીઇ હેઠળ પ્રવેશ મેળવીને અભ્‍યાસ કરે છેઃ ભોગ બનનાર બાળાઓ પણ આરટીઇની છાત્રાઓ : ભોગ બનનાર અન્‍ય બાળાના વાલીઓએ પોલીસનો સંપર્ક કરવોઃ ઓળખ ગુપ્‍ત રાખી પોલીસ કાર્યવાહી કરશેઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા : આરોપી રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે!: અગાઉ કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી

રાજકોટ તા. ૨૨: શહેરમાં સગીર વયની કે ફૂલડા જેવી બાળાઓ સાથે વિકૃત ઢગાઓ બિભત્‍સ હરકતો કરતાં હોવાની અને ઘણીવાર દૂષ્‍કર્મ આચરી લેતાં હોવાની ઘટનાઓ અનેક વખત બની ચુકી છે. તાજેતરમાં શાપરમાં એક માસુમ બાળાએ હવસખોરે શિકાર બનાવી હતી. જેને રાજકોટ રૂરલ પોલીસ અન્‍ય રાજ્‍યમાંથી દબોચી લાવી હતી. ત્‍યાં રાજકોટ શહેરમાં એક ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં હરિ ધવા રોડ પર આવેલી શાળાના પ્રિન્‍સીપાલે આ શાળામાં જ અભ્‍યાસ કરતી ૧૧ થી ૧૪ વર્ષની ચાર બાળાઓને પોતાની ઓફિસમાં પુરી અવાર-નવાર બિભત્‍સ ચાળા, અડપલા કરી બથ ભરી લઇ અત્‍યંત વિકૃત હરકતો કરતાં ચકચાર મચી  ગઇ છે. ભોગ બનેલી પૈકી એક બાળાએ પોતાના માતાને વાત કરતાં તેઓ પોલીસ પાસે પહોંચ્‍યા હતાં. બીજી ત્રણ બાળાના વાલીઓ પણ આવ્‍યા હતાં અને પોતાની દિકરીઓ સાથે પણ પ્રિન્‍સીપાલે હલકી હરકતો કર્યાનું કહેતાં પોલીસ અધિકારી ચોંકી ગયા હતાં. પોક્‍સો સહિતનો કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પ્રિન્‍સીપાલને દબોચી લીધો છે. પોતે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી પણ હોવાનું તેણે કહ્યું હતું!બનાવની પ્રાપ્‍ત વિગત મુજબ હરિ ધવા માર્ગ પર આવેલી શ્રી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલ નામની શાળામાં અભ્‍યાસ કરતી ૧૪ વર્ષની છાત્રાએ પોતાના માતાને પોતાની સાથે શાળાના પ્રિન્‍સીપાલ ખરાબ હરકતો કરતાં હોવાનું કહેતાં માતા સહિતના પરિવારજનો ચોંકી ગયા હતાં. પોતાની રીતે તપાસ કરતાં પોતાની દિકરી સિવાયની અન્‍ય ત્રણ બાળાઓ સાથે પણ આવુ બન્‍યું હોવાની વિગતો જાણવા મળતાં ચારેય બાળાના વાલીઓ અને બીજા વાલીઓ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. અહિ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી મયુરધ્‍વજસિંહ એમ. સરવેયા સમક્ષ બાળાઓ અને તેમના વાલીઓએ પ્રિન્‍સીપાલની હલકી હરકતોની રાવ કરતાં અધિકારી પણ ચોંકી ગયા હતાં અને તુરંત કાર્યવાહી કરી હતી.

 પોલીસે ભોગ બનેલી ચાર પૈકીની ૧૪ વર્ષની એક બાળાના માતાની ફરિયાદને આધારે શ્રી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલ નામની શાળાના પ્રિન્‍સીપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૭-રહે. મવડી બાપા સિતારામ ચોક શિવમ્‌ પાર્ક-૨) વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (ક), પોક્‍સોની કલમ-૮-૧૦ મુજબ ગુનો નોંધી રાતોરાતે તેને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. ફરિયાદી મહિલાએ જણાવ્‍યું છે કે પોતાની ૧૪ વર્ષની દિકરી તથા અન્‍ય ત્રણ દિકરીઓ કે જેની ઉમર ૧૪, ૧૧ અને ૧૧ વર્ષ છે તે ચારેય શ્રી સરસ્‍વતિ શૈક્ષણિક સંકુલમાં અલગ અલગ ધોરણમાં અભ્‍યાસ કરે છે. રાકેશ સોરઠીયા કાલાવડ રોડ વિસ્‍તારમાં પણ એક શાળાનું સંચાલન કરતો હોવાનું સામે આવ્‍યું છે. 

છેલ્લા કેટલાક સમયથી આ ચારેય બાળાઓને પ્રિન્‍સીપાલ રાકેશ સોરઠીયા તેની ઓફિસમાં કોઇને કોઇ બહાને બોલાવતો હતો, અથવા તો આ છાત્રોએ અભ્‍યાસના લીથા સહિતની વાતે પૃછા કરવા તેની ઓફિસમાં જતી હતી ત્‍યારે તે ઓફિસનો દરવાજો બંધ કરી દઇ હાથ પકડી, શારીરિક અડપલા કરી લેતો હતો અને ક્‍યારેક બથમાં લઇને જાતીય સતામણી કરી લેતો હતો. ચારેય છાત્રા સાથે અલગ અલગ દિવસે અને સમયે તે ઓફિસમાં એકલી જતી ત્‍યારે આવી હરકતો થઇ હતી. બાળાઓએ ઘણા સમય સુધી આવી હરકતો સહન કરી હતી. પણ છેલ્લે એક બાળાએ હિમ્‍મત કરીને પોતાના માતા-પિતાને ઘરે વાત કરતાં ગઇકાલે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી અને વાલીઓ પોલીસ સ્‍ટેશને પહોંચતા ગુનો નોંધાયો હતો.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાધવની સુચના અનુસાર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે બાળાના માતાની ફરિયાદ પરથી તત્‍કાળ ગુનો નોંધી રાતે જ આરોપી પ્રિન્‍સીપાલને પકડી લીધો હતો. રાકેશ સોરઠીયાને પોતાને પણ  એક દિકરી અને એક દિકરો છે. પોતે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી હોવાનું પણ કહેતો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ જે શાળામાં બનાવ બન્‍યો તેમાં ૬૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. જે પૈકીના ૪૨ છાત્ર-છાત્રાઓએ આરટીઇ રાઇટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ) હેઠળ એટલે કે સરકારની વિનામુલ્‍યે શિક્ષણની યોજના હેઠળ પ્રવેશ મેળવેલો છે. ભોગ બનેલી ચારેય બાળાએ પણ  આરટીઇ હેઠળ પ્રવેશ મેળવ્‍યો છે.

પ્રાથમિક પુછતાછમાં આરોપી પ્રિન્‍સીપાલે એવુ રટણ કર્યુ હતું કે પોતાના પર ખોટુ આળ મુકાયુ છે.  જો કે પોલીસ સમક્ષ અન્‍ય ભોગ બનનાર બાળાઓના વાલીઓના પણ ફોન આવ્‍યા છે. પોલીસ તેમને પણ બોલાવીને સાહેદ તરીકે નિવેદન નોંધશે. શાળાની માલિકી પણ આ પ્રિન્‍સીપાલની જ છે. આ બનાવથી શહેરના સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર જાગી છે. આરોપીને અન્‍ય એક શાળા પણ છે.

પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાએ જણાવ્‍યું હતું કે આ પ્રિન્‍સીપાલની હરકતોનો અન્‍ય બાળાઓ પણ ભોગ બની હોવાની વિગતો મળી રહી છે. કેટલાક વાલીઓએ આવી માહિતી આપી હોઇ તેના પણ નિવેદન નોંધવા તજવીજ થશે. ભોગ બનનાર બાળાના વાલીઓએ પોલીસનો સંપર્ક કરવો, તેમની ઓળખ ગુપ્‍ત રાખીને પોલીસ કાર્યવાહી કરશે.

આરોપી રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે!: અગાઉ કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી

પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે આરોપી રાકેશ સોરઠીયા પ્રિન્‍સીપાલ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી (આપ)ના પ્રભારી તરીકે હોદ્દો ધરાવે છે. સોશિયલ મિડીયામાં તેના આપના ખેસ સાથેના અનેક ફોટાઓ જોવા મળે છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં પણ રાકેશ સોરઠીયાએ પોતે આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના પ્રભારી તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું.  આ ઉપરાંત અગાઉ ૨૦૨૧માં રાકેશ સોરઠીયાએ વોર્ડ નં. ૧૭માંથી કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી.

વોર્ડ નંબર ૧૭ના કોર્પોરેટર વિનુભાઇ ધવાની કડક કાર્યવાહી કરવા રજૂઆત

 વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર વિનુભાઇ ધવાને ઘટનાની જાણ થતાં તેમણે ભોગ બનેલી બાળાના વાલીઓની મુલાકાત લીધી હતી અને બાદમાં પોલીસ સ્‍ટેશને પહોંચી પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાને લેખિતમાં રજૂઆત કરી પ્રિન્‍સીપાલ દરજ્જે બેસી બાળાઓની પજવણી કરનારા આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

 

(3:22 pm IST)