Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કેનાલ રોડ પર ફાયર બ્રિગેડની ગાડીએ ટુવ્‍હીલરને ઉલાળતાં જસદણના હર્ષિલ રવૈયાનું મોતઃ મિત્રને ઇજા

બાવીસ દિવસ પહેલા જ બાવીસ વર્ષનો યુવાન કપડાની દુકાનમાં નોકરીએ રહ્યો હોઇ અપડાઉન કરતો હતોઃ ગ્રાહકને કપડા આપવા જતી વખતે બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: શહેરના કેનાલ રોડ પર ફાયર બ્રિગેડની ગાડીના ચાલકે ટુવ્‍હીલરને ઉલાળી દેતાં તેના પર બેઠેલા ગુંદાવાડીની કપડાની દુકાનમાં નોકરી કરતાં બે મિત્રો ફેંકાઇ જતાં તે પૈકી જસદણના યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ એવો આ યુવાન બાવીસ દિવસથી જ નોકરીમાં જોડાયો હતો અને જસદણથી રાજકોટ અપડાઉન કરતો હતો. તેના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે બચી ગયેલા ટુવ્‍હીલર ચાલક મૃતકના મિત્ર લક્ષ્મીવાડી મેઇન રોડ પર ગીરીરાજ એપાર્ટમેનટ ફલેટ નં. ૨૦૧માં રહેતાં તિર્થ વિપુલભાઇ સવસેટા (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી ફાયર બ્રિગેડની ગાડી જીજે૦૩વાય-૯૦૦૮ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

તિર્થ સવસેટાએ જણાવ્‍યું હતું કે હું  માતા-પિતા સાથે રહુ છું અને ગુંદાવાડી મેઇન રોડ પર સિધ્‍ધી વિનાયક કોમ્‍પલેક્ષમાં કમલેશભાઇ પીઠડીયાની સિધ્‍ધી ફેશન નામની કપડાની દૂકાનમાં નોકરી કરુ છું. મારી સાથે મુળ જસદણનો હર્ષિલ ઉમેશભાઇ રવૈયા (ઉ.વ.૨૨) પણ છેલ્લા બાવીસેક દિવસથી આ દૂકાનમાં નોકરી કરતો હોઇ અમારી વચ્‍ચે મિત્રતા થઇ ગઇ હતી.

બુધવારે હું અને મિત્ર હર્ષિલ અમારી નોકરીના સ્‍થળેથી શેઠ કમલેશભાઇએ એક કપડાનું પાર્સલ ગ્રાહકને કેનાલ રોડ પર પહોંચાડવા આપ્‍યું હોઇ તે આપવા માટે નીકળ્‍યા હતાં. હર્ષિલને શેઠે આ કામ સોંપ્‍યું હોઇ તેણે મને સાથે આવવાનું કહેતાં હું અમારા શેઠ કમલેશભાઇનું એક્‍સેસ જીજે૦૨જેઇ-૯૩૮૩ હંકારતો હતો અને હર્ષિલ પાછળ બેઠો હતો. અમે ગુંદાવાડી પોલીસ ચોકીથી જીલ્લા ગાર્ડનવાળા રોડ પર બલદેવ ચા નજીક પહોંચ્‍યા ત્‍યારે પાછળથી ફાયર બ્રિગેડના વાહને ટક્કર મારતાં હુ રોડની ડાબી સાઇડ અને હર્ષિલ જમણી સાઇડ ફેંકાઇ ગયો હતો. જેમાં મને જમણા પગની આંગળીઓમાં ઇજા થઇ હતી. જ્‍યારે હર્ષિલને બડરામાં પીઠના ભાગે ઇજાઓ થઇ હતી.

માણસો ભેગા થઇ જતા અમને ઉભા કર્યા હતાં. આ વખતે ફાયર બ્રિગેડના વાહનના નંબર જોતાં જીજે૦૩વાય-૯૦૦૮ જોવા મળ્‍યા હતાં. તેનો ચાલક આ વાહન લઇ ત્‍યાંથી નીકળી ગયો હતો. હું હર્ષિલને રિક્ષામાં લઇ પદ્દમકુંવરબા હોસ્‍પિટલે લઇ ગયો હતો. ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવાનું કહેતાં ત્‍યાં હોંચતા તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. પીએસઆઇ બી. એચ. પરમારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કાળનો કોળીયો બનેલો હર્ષિલ એક બહેનથી નાનો તથા માતા-પિતાનો આધારસ્‍તંભ હતો. તે જસદણથી રાજકોટ અપડાઉન કરતો હતો.

(3:30 pm IST)