Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પૂજારા પ્‍લોટમાં ૧૨ કોમર્સના છાત્રના આપઘાત બાદ માતાએ પણ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો

પરમ દિવસે રાતે ૨૦ વર્ષના સુજલ જોષીએ મોત મેળવી લીધુ હતું: આજે માતા દિવ્‍યાબેને પુત્રના વિયોગમાં ગળાફાંસો ખાઇ લેવા પ્રયત્‍ન કર્યોઃ નાની બહેન જોઇ જતાં જીવ બચી ગયો

રાજકોટ તા. ૨૮: શહેરના પૂજારા પ્‍લોટમાં રહેતાં અને તાજેતરમાં જ ધોરણ બાર કોમર્સની પરિક્ષા આપનારા છાત્રએ અકળ કારણોસર પરમ દિવસે રાત્રીના સમયે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. એકના એક દિકરાના વિયોગમાં આજે માતાએ પણ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમના નાના બહેન જોઇ જતાં જીવ બચી ગયો હતો અને સારવાર માટે દાખલ કરવા પડયા હતાં.

જાણવા મળેલી માહિતી મુજબ પૂજારા પ્‍લોટ શેરી નં. ૮માં આવેલા પ્રેસીયસ એપાર્ટમેન્‍ટ બી-ફલેટ નં. ૨૦૧માં રહેતાં સૂજલ મનિષભાઇ જોષી (ઉ.વ.૨૦) નામના યુવાને મંગળવારે રાતે રૂમ બંધ કરી પંખામાં ચુંદડી બાંધી ગાળફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ દરવાજો ખખડાવવા છતાં ન હિ ખોલતાં દરવાજો તોડીને જોતાં તે લટકતો દેખાતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી દિપકભાઇએ તેને મૃત જાહેર કરતાં ભક્‍તિનગર પીએસઆઇ પી. એસ. ગોહિલે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર સુજલ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા મનિષભાઇ સ્‍કૂલમાં નોકરી કરે છે, માતાનું નામ દિવ્‍યાબેન છે. સૂજલ આત્‍મીય કોલેજમાં  ધોરણ બાર કોમર્સમાં ભણતો હતો. તાજેતરમાં જ તેની બોર્ડની પરિક્ષા પુરી થઇ હતી. પેપર નબળા ગયાની ચિંતામાં પગલુ ભર્યુ કે અન્‍ય કારણે તે અંગે પરિવારજનોએ કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. દરમિયાન આજે સવારે સૂજલના માતા દિવ્‍યાબેન મનિષભાઇ જોષી (ઉ.વ.૪૨)એ દિકરાના વિયોગમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. તેણીના નાના બહેન જોઇ જતાં દેકારો મચાવતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતાં અને દિવ્‍યાબેનને બચાવી લીધા હતાં. સિવિલમા સારવાર અપાવી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ભક્‍તિનગરના પીએસઆઇ પી. જી. રોહડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(5:05 pm IST)