Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નવા રૂપરંગથી થશે સજ્જઃ કામગીરીની સમીક્ષા કરતા મ્‍યુનિ.કમિશનર

રેસકોર્ષ સંકુલમાં આધુનિક આર્ટ ગેલેરી થવાથી શહેરની આર્ટિસ્‍ટોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્‍લેટફોર્મ મળી રહેશે : આનંદ પટેલ

 

રાજકોટ, તા. ર૮ :  શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઇ રહેલ છે. જેના કારણે જુદી-જુદી આર્ટ ગેલેરીઓ જુદી-જુદી સંસ્‍થાઓને એકઝીબીશન કરવા માટે આર્ટ ગેલેરીમાં મુશ્‍કેલી પડતી હતી. ત્‍યારે નવી  આર્ટ ગેલેરીમાં પુરી સગવડતાઓ મળી શકે તે રેસકોર્ષ સ્‍થિત શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું આધુનિક નવિનીકરણ કરવાનું આયોજન કરેલ છે. અંદાજીત ૫ કરોડનાં ખર્ચે  તૈયાર થયેલ ગેલેરીને કામગીરીની સમીક્ષા મ્‍યુનિ. કમિશનર  આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે.

 મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યું છે તેમજ રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે સેલ્‍ફ સપોર્ટેડ રૂફ ફીટીંગ કરવાનું કામ ચાલી રહ્યું છે,  ત્‍યારે મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આર્ટ ગેલેરી એકઝીબીશન હોલની ચાલી રહેલ કામગીરી વિશે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રૂા. ૫,૯૦,૮૦,૧૭૫/-ના ખર્ચે ૯૭૬.૦૦ ચો.મી. ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્‍ડફલોર પર મલ્‍ટીપર્પઝ ગેલેરી/ એક્‍ઝિબિસન હોલ, સ્‍ટોરરૂમ, ટોઇલેટ બ્‍લોક, વોટરરૂમ, ઇલેકટ્રીકરૂમ, લીફટ તથા અન્‍ય બે ગેલેરી તેમજ ફસ્‍ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. તેમજ આ રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં આર્ટિસ્‍ટોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્‍લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત હસ્‍તકલા, પેઇન્‍ટીંગ તથા અન્‍ય પ્રદર્શનો થઇ શકશે. દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત ૧.૦૦ લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે.

 મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે સેલ્‍ફ સપોર્ટેડ રૂફ ફીટીંગ વિશે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્‍ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ રેસકોર્ષ સંકુલમાં આવેલ ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતેનું હયાત રુફિંગ અંદાજીત ૨૩ વર્ષ જુનું છે તથા ચોમાસામાં લીકેજની સમસ્‍યા પણ ઉદભવે છે જેને ધ્‍યાનમાં લઈને રૂ. રૂ.૭૫,૬૭,૧૬૦/-ના ખર્ચે ૪૫ મીટર સ્‍પાન, ૧૮૮૦ ચો.મી નવું આધુનિક સેલ્‍ફ સપોર્ટેડ રૂફ નાંખવાની કામગીરી ચાલી રહી છે.

મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની વિઝિટ દરમ્‍યાન સિટી એન્‍જી. અતુલ રાવલ, ગાર્ડન શાખાના  ડૉ. હિરપરા, મેનેજર કૌશિક ઉનાવા, ડી.ઇ.ઇ. એચ.એમ.કોટક, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(૯.ર૬)

નવ નિર્મિત આર્ટ ગેલેરીમાં મળશે આટલી સુવિધાઓ

* આ આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્‍ડ ફલોર તથા ફર્સ્‍ટ ફલોર બાંધકામ થશે.

 * ગ્રાઉન્‍ડ ફલોરમાં ગેલેરી-૧ આશરે ૧૩૪૪ ચો.ફુટ.

* ગેલેરી-૨ આશરે ૧૬૮૦ ચો.ફુટ. 

* ૨૧૬૬ ચો.ફુટનો એક મલ્‍ટી પર્પઝ હોલ બનાવાશે

* ફર્સ્‍ટ ફલોર પર ગેલેરી-૩ આશરે ૧૪૪૪ ચો.ફુટ,

* ગેલેરી-૪ આશરે ૭૨૨ ચો.ફુટ

*  ૬૨૭ ચો.ફુટનો મલ્‍ટી પર્પઝ હોલ વગેરે સુવિધા આપવામાં આવશે

*  આધુનિક ટેકનોલોજીના લાઈટીંગના ફીચર લગાડાશે

(4:46 pm IST)