Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઢોરના રજીસ્‍ટ્રેશન-ટેગીંગની કામગીરી પૂર્ણઃ હવે દરરોજ માત્ર ર૦ ફરિયાદો

૧ જાન્‍યુઆરી અગાઉ દરરોજ ૬૦ થી ૭૦ ફરીયાદો કોલ સેન્‍ટરમાં નોંધાતીઃ શહેરમાં પાળતુ પશુઓની સંખ્‍યા ૯ હજાર : મોટા મવામાં નવી એનિમલ હોસ્‍ટેલનું કામ શરુઃ કોઠારીયા, રોણકી, મવડીની એનિમલ હોસ્‍ટેલ હાઉસ ફુલ રખડુ કુતરાની વસ્‍તી ગણતરીનો કાર્યક્રમ આચારસંહિતામાં અટકાવાયો

રાજકોટ, તા. ર૮  : રાજકોટ મહાનગરમાં પશુ ત્રાસ નિયંત્રણ બીલના કડક અમલ વચ્‍ચે ત્રણ શિફટમાં અને ૧૫ ટીમ સાથે રખડતા ઢોર પકડવા કડક કાર્યવાહી ચાલી રહી છે .

રાજકોટમાં પણ  ૧ જાન્‍યુઆરીથી નોંધાયા ન હોય તેવા ઢોર કોઇ પણ સંજોગોમાં ન છોડવાની અમલવારી શરૂ થઇ ગઇ છે.

૧ જાન્‍યુઆરી ૨૦૨૪ થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં જે પશુપાલકો,પશુમાલિકો એ જે પશુઓ માટેનું લાયસન્‍સ અને પરમીટ મેળવેલ હશે તે પશુઓ જ પરવાનગી વાળી જગ્‍યાએ રાખી શકે છે. અગાઉ તા.૩૧ ઓકટોબર ૨૦૨૩નાં રોજ આ અંગે સર્વેને જાણ પણ કરેલ છે.

આ અનુસંધાને નિયમાનુસાર લાયસન્‍સ, પરમીટ ન ધરાવતા પશુઓ રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારની હદ બહાર તા. ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ સુધિમાં ખસેડી લેવા પશુપાલકો,પશુમાલિકોને અંતિમ ચેતવણી આપવામાં આવી હતી.

આવા પશુ પકડાય તો છોડવામાં પણ નહીં આવે નોંધણી, ટેગીંગ, લાયસન્‍સ સહિતની કામગીરી માટે રાજકોટમાં ઢોર માલિકોને અંતિમ તક અપાઇ હતી. 

માલધારીઓને પણ સુવિધા મળે તેવા તંત્ર પ્રયાસ કરે છે. કોઠારીયામાં વધુ એક એનિમલ હોસ્‍ટેલ બનાવવા માટે કલેકટર તંત્ર પાસે જમીન પણ માંગવામાં આવી  હતી.  મહાનગરમાં ટેગીંગ તથા  કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત જે પશુઓ છોડાવવા માલધારીઓ ન આવે તેઓના ઢોર નિભાવ સાથે પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. એકંદરે નોંધણી અને લાયસન્‍સ વગરના પશુઓ રાજકોટ પકડવાનું ૧ જાન્‍યુઆરીથી શરૂ કરાયું છે.

તંત્રના સત્તાવાર સુત્રો મુજબ હાલ પાલતુ પશુઓની સંખ્‍યા ૯ હજાર આસપાસ છે. જેમાં પશુઓની લે-વેચથી આંકડો ફરે છે. રજીસ્‍ટ્રેશન અને ટેગીંગની ૧૦૦ ટકા કાર્યવાહી બાદ રખડતા ઢોરની ફરીયાદો ખુબ જ ઘટી ગઇ છે. અગાઉ દરરોજ ૬૦ થી ૭૦ જેટલી ફરીયાદો તંત્રના ચોપડે નોંધાતી હતી તે હવે રસ્‍તા ઉપર ઢોર ઓછા હોવાથી ઢોર ડબ્‍બામાં પણ પશુઓની સંખ્‍યા મર્યાદિત થઇ ગઇ છે. રાજમાર્ગો પર પણ રખડતા ઢોરનું પ્રમાણ નહીંવત જેવું છે. શેરી ગલીમાં માલીકીની જગ્‍યામાં હજુ અમુક પ્રાણીઓ રહે છે.

અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા ૧ એપ્રિલથી પાળતુ ડોગનું રજીસ્‍ટ્રેશન ફરજીયાત કરનાર છે, પણ રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આ અંગે કોઇ આયોજન  ન હોવાનું પણ સુત્રોએ જણાવ્‍યું હતુ઼. સાથે જ રખડુ કુતરાની વસતી ગણતરીના કાર્યક્રમને આચાર સંહિતા લાગુ થતા બ્રેક લાગી છે. વર્ક ઓર્ડર અપાય તે પહેલા જ ચૂંટણીની જાહેરાત થતા કામ અટવાયું છે. હવે આચાર સંહિતા પૂર્ણ થયા બાદ રખડુ કુતરાની ગણતરી કરવામાં આવશે.

(5:01 pm IST)