Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

‘હિટ એન્‍ડ રન': એક્‍ટીવાને ઉલાળીને આઇશર ચાલક ભાગી ગયોઃ રાજેશભાઇ શીશાંગીયાનું મોત

કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસે રાત્રીના બનાવઃ ખોખડદળ સગાઇ પ્રસંગમાંથી પરત આવતાં હતાં : એક્‍ટીવા ચાલક મામાના દિકરા ધનસુખભાઇ ગોંડલીયાને ગંભીર ઇજાઃ ખોડિયાર સોસાયટીના પરિવારમાં ગમગીનીઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૯: શહેરમાં હિટ એન્‍ડ રનની વધુ એક ઘટના બની છે. જેમાં કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્‍ટીવાને પાછળથી આઇશરનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં એક્‍ટીવાચાલક આનંદનગરના પ્રોૈઢ અને પાછળ બેઠેલા તેમના ફઇના દિકરા ખોડિયાર સોસાયટીના પ્રોૈઢ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ફઇના દિકરાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંને મામા-ફઇના ભાઇઓ ખોખડદળ ગામે સગાઇ પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રાત્રે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાત્રીના દસેક વાગ્‍યે કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્‍ટીવાને પાછળથી આઇશર ટ્રકના ચાલકે ઠોકર મારતાં એક્‍ટીવા ફેંકાઇ જતાં તેના ચાલક ધનસુખભાઇ કિશોરભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૪-રહે. આનંદનગર કોલોની, ખોડીયા ચોક) તથા પાછળ બેઠેલા તેમના ફઇના દિકરા રાજેશભાઇ (રાજુભાઇ) ભીખુભાઇ શીશાંગીયા (ઉ.વ.૫૦-રહે. ખોડિયાર સોસાયટી-૪, સહકાર રોડ)ને ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

અંહિ બંનેને ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ વહેલી સવારે રાજેશભાઇ શીશાંગીયાએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર રાજેશભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. તેમના મૃત્‍યુથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અને શીશાંગીયા પરિવારે આધારસ્‍તંભ ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. એક્‍ટીવાચાલક ધનસુખભાઇ ગોંડલીયા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.પરિવારજનોના કહેવા મુજબ એક્‍ટીવાને આઇશરનો ચાલક પાછળથી ઠોકર મારી ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(2:59 pm IST)