Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કેશુબાપા અને પ્રવીણકાકા વચ્ચે હતો ઘનિષ્ઠ નાતો

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ અને મણીઆર પરિવાર સાથે કેશુભાઈ પટેલનાં પારિવારિક સંબંધો અને અઢળક સંસ્મરણો છે : અપૂર્વભાઈ મણીઆર

રાજકોટ : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધન પર ઘેરા શોકની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે,  કેશુભાઈ પટેલના મણીઆર પરિવાર અને સરસ્વતી શિશુમંદિર સાથે પારિવારિક સંબંધો હતા. કેશુભાઈ પટેલ સ્વર્ગવાસી થતા અમારા મણીઆર પરિવાર અને શાળા પરિવારે એક વડીલ માર્ગદર્શક ગુમાવ્યા છે. તેમની ખોટ કયારેય કોઈ પૂરી નહીં કરી શકે. મારા પિતા પ્રવીણભાઈ મણીઆર અને કેશુભાઈ પટેલની જોડી કાકા અને બાપા તરીકે ઓળખાતી.

 અપૂર્વભાઈ મણીઆરે વધુ જણાવ્યું હતું કે, પ્રવીણકાકા અને કેશુભાઈનાં સંબંધો પ્રારંભથી અંત સુધી એક સમાન રહ્યા છે. બંનેએ સંઘ  પરિવાર અને ભાજપ  માટે કરેલી સેવા - સમર્પણ અતુલ્ય છે. ૧૯૬૦ના દશકામાં પ્રવિણકાકા અને કેશુબાપા ગામેગામ હજારો કિલોમીટરનો પ્રવાસ બુલેટ પર સંઘ કાર્ય વિસ્તાર કરવા માટે કરેલો છે. સંઘ અને ભાજપનાં વિકાસ માટે તેમણે આજીવન ન્યોછાવર કરી દીધું હતું. તેઓ સૌનાં માનીતા અને માર્ગદર્શક હતા. બંને એકબીજાના સુખદુઃખના સાક્ષી અને નિકટના સાથીદાર હતા. પારિવારિક સંબંધ તદુપરાંત સરસ્વતી શિશુમંદિરનાં કાર્યક્રમોમાં પણ કેશુભાઈ પટેલની હાજરી એક પરિવારના સભ્ય તરીકે રહેતી. પ્રવીણકાકા અને સરસ્વતી શિશુમંદિર સાથે કેશુભાઈ પટેલનાં અઢળક સંસ્મરણો જોડાયેલા છે. તેમનો અમારા પ્રત્યેનો સ્નેહ અને સહકાર કયારેય ભૂલી નહીં શકાય એવું અપૂર્વભાઈ મણીઆરે અંતમાં જણાવ્યું હતું. કેશુભાઈ પટેલનાં નિધન પર સરસ્વતી વિદ્યામંદિર સંકુલના સમગ્ર ટ્રસ્ટીમંડળ અને શાળા પરિવારે દુઃખની લાગણી પ્રગટ કરી છે.

(2:46 pm IST)