Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જમીન વિવાદમાં ત્રાસથી જામનગરના મેડીકલ સ્ટોર્સના સંચાલકે ફાંસો ખાધો

ચામુંડા મેડીકલ સ્ટોર્સ (રણજીત રોડ)વાળા હિતેષ પરમારે આપઘાત પહેલા લખેલી બે પાનાની સુસાઇટ નોટ પોલીસે કબ્જે કરી : કનુભાઇ અને રમણભાઇએ મારી નાખવાની ધમકી આપવાના ઉલ્લેખથી ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ

તસ્વીરમાં આપઘાત કરી લેનાર હિતેષ પરમારનો પોતાના સહિત પરિવાર અને બાજુમાં મૃતકની ફાઇલ તસ્વીર નજરે પડે છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૦ : જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પોતાના પરિવારને સંબોધીને પોતાની જમીનને લઇને ચાલી રહેલ વિવાદનો ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી આપઘાત કરી લીધાનું લખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સીટી સી.ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.

જામનગરમાં દિવસે ને દિવસે જમીન-મકાનના પ્રશ્નોને લઈને ગુન્હાઓ વધી રહ્યા છે. તેવામાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલામાં C-24માં રહેતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમાર નામના રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા મેડિકલ સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે. આ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોકટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.

જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમારે પોતાના ઘરે ગઇ રાત્રે ૯ વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે.

(11:32 am IST)