Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સૌરાષ્ટ્રમાં ભાદરવે અષાઢ : ખેડૂતોમાં ચિંતા પ્રસરી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ૧૩ દિવસના વિરામ બાદ ફરીથી વરસાદની એન્ટ્રી

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીથી વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. થોડા સમય પહેલા સાર્વત્રિક વરસાદ ધોધમાર વરસાદ બાદ લગભગ ૧૩ દિવસ સુધી મેઘરાજાનો વિરામ રહ્યો હતો.

મેઘ વિરામ થતાં ખેડૂતો ખેતીકાર્યમાં લાગી ગયા હતાં. આ દરમિયાન ફરીથી વરસાદી વાતાવરણ છવાયું છે અને ગઇકાલે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ જિલ્લામાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવ સાથે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ છવાયો હોય તેમ સર્વત્ર વરસાદ પડયો હતો.

વાવણી કાર્ય બાદ ખેડૂતો ખેતીકાર્ય બાદ ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે તેવા સમયે ફરીવાર વરસાદની એન્ટ્રીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અમરેલી જિલ્લાના લીલીયામાં છેલ્લા ર૪ કલાકમાં ૩ મી.મી. વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં એકાદ અઠવાડીયાના વિરામ બાદ ગઇકાલે રાત્રે વલભીપુર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બે કલાકમાં જ વલભીપુરમાં ૭૭ મી.મી. વરસાદ ખાબકી જતાં રોડ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઇ ગયા હતા. ફરી વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. જીલ્લામાં સંતોષકારણ વરસાદ વરસી ગયો હોય હવે વરસાદ વિરામ લે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

વલભીપુરને બાદ કરતા જીલ્લાના અન્ય કોઇ તાલુકાઓ માં નોંધપાત્ર વરસાદ પડયો નથી.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : જસદણ પંથકમાં સખત ઉકળાટ બાદ કાલે તાલુકાના વડોદ, નવાગામ, આંબરડી, લાલકા વાવ સોમલપર જેવા ગામોમાં અડધોથી એક ઇંચ સુધી વરસાદ વરસી જતાં ખેતર સોસરા પાણી નીકળી ગયા હતાં.  કેટલાંક ખેડૂતોને ઉભા પાકમાં નુકશાન થયું હતું તો કયારેક ફાયદો પણ થયો હતો. નવાગામના સામાજિક કાર્યકર રણછોડભાઇ જોગાભાઇ પરમારએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સાંજના ૭:૩૦ કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેતર વાડીઓમાં પાણી ભરાય ગયા હતાં. રાત્રીના આઠ વાગ્યે જસદણમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

(11:13 am IST)