Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

માતાના મમતાભર્યા સ્‍પર્શનો અનુભવ કરનાર નાનકડી આયુષી જનમ્‍યા બાદ હવે પ્રથમવાર ‘મા' બોલી શકશે...

સરકારની સંવેદના અને અદાણી જીકે જનરલ હોસ્‍પિટલની પહેલ થકી કચ્‍છમાં આયુષી જેવા મુકબધિર બાળકોના જીવનમાં આશાનું નવું કિરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ફૂલ જેવા માસુમ બાળકોના જીવનમાં પણ કુદરત ઘણીવાર આકરી કસોટીઓ કરતી રહે છે. મુન્‍દ્રા તાલુકાના બગડા ગામની ત્રણ વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી આયુષી મહેશ ચાવડાના જીવનમાં પણ કુદરતે કસોટી કરી હોય તેમ જન્‍મતા જ તેને સાંભળવાની ખામી રાખી દીધી. સાંભળી ન શકવાની મુશ્‍કેલીના કારણે બાળકો બોલવાની મુશ્‍કેલીનો પણ ભોગ બને છે. આમ શ્રવણશક્‍તિ ની ખામી થકી બાળક બધિર હોવાની સાથે મૂક પણ બની જાય છે.

કચ્‍છમાં અત્‍યાર સુધી આવા મૂક બધિર બાળકોની શ્રવણશક્‍તિ માટે કોકલિયર ઈમ્‍પલાન્‍ટના ઓપરેશન થતાં ન હોઈ આ ઓપરેશન માટે અમદાવાદ ગાંધીનગર જવું પડતું હતું. જોકે, હવે રાજય સરકારની સંવેદના અને ભુજની અદાણી જીકે જનરલ હોસ્‍પિટલની પહેલ થકી કચ્‍છ જેવા છેવાડાના વિસ્‍તારમાં આરોગ્‍ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ લખાયો છે. હવેથી કોકલિયર ઈમ્‍પલાન્‍ટના ઓપરેશનની સુવિધા કચ્‍છમાં શરૂ થઈ ગઈ છે. રાજયના ૧૦૦૦ જેટલા બાળકોની કોક્‍લિયર ઈમ્‍પલાન્‍ટની સફળ સર્જરી કરનાર ગાંધીનગરની સિવિલ હોસ્‍પિટલના ઈએનટી સર્જન ડો. નીરજ સુરીએ ભુજ મઘ્‍યે પ્રથમ જ વાર ત્રણ વર્ષની આયુષીની કોકલિયર ઈમ્‍પલાન્‍ટની સર્જરી કરી હતી.

ઓપરેશન કર્યા બાદ ‘અકિલા' સાથે વાત કરતાં ડો. નીરજ સૂરીએ જણાવ્‍યું હતું કે, ૬ થી ૮ લાખ રૂપિયાના ખર્ચવાળી આ સર્જરી રાજય સરકાર દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્‍ક કરી આપવામાં આવે છે. રાજય સરકારે જયાં જયાં મેડિકલ કોલેજો છે ત્‍યાં ત્‍યાં આ ઓપરેશન કરવાની શરૂઆત કરી છે. જેથી છેવાડાના વિસ્‍તારોના શ્રવણ શકિત નહીં ધરાવતા બાળકો સુધી આ તબીબી સુવિધા પહોંચે. ભુજમાં અદાણી મેડિકલ કોલેજના સહયોગના કારણે આ સુવિધા શક્‍ય બની છે. ઓપરેશન પછી પાંચ દિવસે બાળક સાંભળતું થાય છે. મગજમાં બેસાડાતું સાધન વટાણાના દાણા જેટલું કાનની પાછળ અંદર ફીટ કરાય છે. ત્‍યાંથી તે આંતરમનના તંતુઓ સાથે જોડાય છે. વિદેશની બનાવટના આ સાધનનું સંચાલન બેટરી દ્વારા થાય છે. ડો. નીરજ સુરી કહે છે કે, નવજાત શિશુમાં રહેલ શ્રવણશક્‍તિની ખામીનું કારણ આનુવંશિક નથી. પણ, પ્રસૂતા માતાના ખાનપાનમાં ખામી, કોઈ ચેપ લાગવાનું અથવા જનમતાવેત કાચની પેટીમાં રાખવાના કારણે ૨ થી ત્રણ ટકા બાળકોમાં ઘણીવાર શ્રવણશક્‍તિની ખામી રહે છે.

અદાણી જીકે હોસ્‍પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને આ ઓપરેશનમાં સાથે રહેલા ઈએનટી સર્જન ડો. નરેન્‍દ્ર હિરાણીએ જણાવ્‍યું હતું કે, જનમ્‍યા પછી નવજાત શિશુની શ્રવણશક્‍તિ નું પરિક્ષણ કરાવી લેવું જોઈએ. અહીં ભુજની અદાણી જીકે હોસ્‍પટલમાં આવું પરિક્ષણ થાય છે. સિવિલ સર્જન ડો. કશ્‍યપ બુચે જણાવ્‍યું હતું કે, અહીં આ ઓપરેશનની સુવિધા શરૂ થયા પછી હવે ૧૧ બાળકોના ઓપરેશન ક્રમશઃ આગળ થશે. કુશળ તબીબ તરીકેના દીર્ઘ અનુભવના આધારે સિવિલ સર્જન ડો. કશ્‍યપ બૂચે જણાવ્‍યું હતું કે, નવજાત શિશુની શ્રવણશક્‍તિ નું તાત્‍કાલિક નિદાન કરાવી લેવું જોઈએ. અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલવાણી અને એડી. ડીન ડો. એન. એન. ભાદરકા, ડો. શા ચોરસિયાએ કોકલિયર ઈમ્‍પાલન્‍ટ સર્જરી અહી શરૂ થઈ તે સુવિધાને કચ્‍છ માટે નવી ઉપલબ્‍ધિ ગણાવી હતી.

જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે શાળા આરોગ્‍ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૬ વર્ષના બાળકોના આરોગ્‍યની જાળવણી માટે રાજય સરકાર જાગૃત હોવાનું જણાવ્‍યું હતું. પ્રથમ જેમનું ઓપરેશન થયું તે બાળકી આયુષીના પરિવારજનોએ આટલી જટિલ, મોંઘી શષાક્રિયા નિઃશુલ્‍ક કચ્‍છમાં થઈ અને હવે તેમની ફૂલ જેવી દીકરી સાંભળતી અને બોલતી થશે તે બદલ રાજય સરકારની સંવેદના અને અદાણી જીકે કોલેજની પહેલને બિરદાવી આભારની લાગણી વ્‍યકત કરી હતી.

(11:59 am IST)