Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

આદિવાસી બાળાને ઉછેરી તેના લગ્નમાં રૂપિયા મળે તે માટે દયારામ આદિવાસીએ બાળાનું અપહરણ કર્યુ'તું

હિદડ ગામની ૮ વર્ષની અપહૃત બાળાને મુકત કરાવી આરોપીને ઝડપી લેતી પડધરી પોલીસ :પડધરીમાં દહીંસરા ગામે વાડીમાં બાળાને ગોંધી રાખી'તી : પી.એસ.આઇ. કિરણબા જાડેજા તથા ટીમની પ્રસંશનીય કામગીરી : આદિવાસી સમાજમાં પ્રવર્તતા કુરિવાજના કારણે માસુમ બાળાનું અપહરણ થયું

તસ્વીરમાં પકડાયેલ આરોપી સાથે પડધરી પોલીસનો કાફલો અને બીજી તસ્વીર અપહૃત બાળાની છે.

રાજકોટ તા. ૨૪ : પડધરીના હિદડ ગામેથી ૧૭ દિ'થી પૂર્વે ૮ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરનાર આદિવાસી શખ્સને પડધરી પોલીસે ઝડપી લઇ અપહૃત બાળાને મુકત કરાવી હતી. પકડાયેલ આદિવાસી શખ્સે અપહૃત બાળાનો ઉછેર કરી તેના લગ્નમાં રૂપિયા મળે તે માટે અપહરણ કર્યાની કેફિયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી.

મળતી વિગતો મુજબ પડધરીના હિદડ ગામેથી ગત તા. ૨૪-૧૨ના રોજ આદિવાસી પરિવારની ૮ વર્ષની માસુમ બાળા ગૂમ થઇ જતા પડધરી પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુન્હો દાખલ કર્યો હતો. ગામના સીસીટીવી ફૂટેજમાં માસુમ બાળા એકલી ચાલીને જતી હોવાનું નજરે પડયું હતું. માસુમ બાળાના અપહરણના બનાવને ગંભીરતાથી લઇ રૂરલ એસ.પી. બલરામ મીણાએ આ બાળાને શોધી કાઢવા પડધરી પોલીસ મથકની એક ટીમ બનાવી હતી અને પડધરી પોલીસની ટીમે અપહૃત બાળાને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન અપહૃત બાળા પડધરીના દહીંસરડા ગામની સીમમાં હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણા તથા ગોંડલ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરીના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ કિરણબા જાડેજા તથા સ્ટાફે દહીંસરડા ગામની સીમમાં છાપો મારી અપહૃત બાળાને મુકત કરાવી માસુમ બાળાનું અપહરણ કરનાર દયારામ સુબાભાઇ ભીલ આદિવાસીને દબોચી લીધો હતો.

પકડાયેલ દયારામ આદિવાસીએ પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, આદિવાસી સમાજમાં યુવતીના લગ્ન સમયે સામાવાળા યુવકના પરિવારજનો રૂપિયા આપતા હોય આ અપહૃત બાળાનો ઉછેર કરી તેના લગ્નમાં રૂપિયા મળે તે માટે અપહરણ કર્યું હતું. આરોપીની આ કેફીયત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલ આરોપીનો પડધરી પોલીસે કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી ધરપકડ કરી છે. આદિવાસી સમાજમાં લગ્ન સમયે રૂપિયાની લેતી-દેતીના થતા કુરિવાજના કારણે આરોપીએ બાળાનું અપહરણ કર્યાનું ખુલ્યું છે.

આ કાર્યવાહીમાં પડધરીના મહિલા પીએસઆઇ કિરણબા જાડેજા સાથે એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા, વકારભાઇ, પો.કો. પ્રભાતભાઇ મૈયડ, યુવરાજસિંહ ગોહિલ, દશરથસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા તથા સંજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અપહૃત બાળાને મુકત કરાવી આરોપીને ઝડપી લેનાર પડધરી પોલીસની ટીમને રેન્જ આઇ.જી. સંદિપસિંહ તથા એસ.પી. બલરામ મીણાએ અભિનંદન આપ્યા હતા.

(11:51 am IST)