Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમરેલી : નકલી ઘી કૌંભાડની તપાસ માટે ખાસ કમિટી બનાવવા વિરજીભાઇ ઠુંમરની મુખ્યમંત્રીને રજૂઆત

અમરેલી તા.૧ર : રાજકોટમાં નકલી ઘીના કૌભાંડની તપાસ માટે ખાસ કમિટી બનાવવાની માંગણી સાથે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ કે અગાઉના મારા સંદર્ભ પત્રથી અમરેલી જિલ્લામાં શહેર અને તાલુકામાં ભેળસેળયુકત નકલી ઘી, દૂધ, માખણ વગેરે ખાદ્યપદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યાના પ્રેસ મિડીયા ન્યુઝ પેપરમાં સમાચારો પ્રસિધ્ધ થયા હતા. તેથી ભેળસેળયુકત ખાદ્યપદાર્થોનું વેચાણ અટકાવવા જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવા તટસ્થ તપાસની માંગણી સહ રજૂઆત કરેલી હતી. ત્યારે તાજેતરમાં રાજકોટમાં અમુલ પાર્લરોમાં અમુલ, ગોપાલનું નકલી ઘીના કૌભાંડ પકડાયાના સમાચાર પ્રસિધ્ધ થયા છે.

આવા કૌભાંડ સમગ્ર ગુજરાતમાં પણ ચાલતા હોય શકે, તેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કૌભાંડીઓને જડમૂળથી નાશ કરવા તમામ જિલ્લા લેવલે એક ખાસ કમિટી બનાવી ઉંડાણપુર્વક તપાસ થવી જરૂરિયાત છે. તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(1:11 pm IST)