Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

માતાના મઢમાં બે દિ'માં ૫૦ હજાર દર્શનાર્થીઓ ઉમટ્યાઃ કાલથી દસ દિ' બંધ

માત્ર આરતી અને ધાર્મિક વિધિઓ જ થશે, દર્શનાર્થીઓ માટે મંદિર બંધ, સેંકડો શ્રદ્ઘાળુઓ પગપાળા, સાઈકલ, બાઈક દ્વારા પહોંચ્યા, હવે ૨૬ મીએ મંદિર ખુલશે

(વિનોદ ગાલા દ્વાર)ભુજ,તા.૧૨: કોરોનાના હાહાકાર વચ્ચે કચ્છમાં માતાના મઢ મધ્યે મા આશાપુરા મંદિર બંધ રહેવાનુ છે. જોકે, શનિ અને રવિ એમ બે દિવસમાં જ માતાના મઢ મધ્યે ૫૦ હજારથી'યે વધુ દર્શનાર્થીઓ ઉમટયા હતા. માતાના મઢ મધ્યે વર્ષોથી વ્યાપાર કરતા વ્યાપારી અરવિંદભાઈ રવિલાલ શાહે 'અકિલા' સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અત્યાર સુધી પ્રથમ જ વખત નવરાત્રિ દરમ્યાન મંદિર બંધ રહેશે. પરંતુ, નવરાત્રિ પુર્વે મા આશાપુરાના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક શીશ ઝુકાવવા માઈ ભકતોનો ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે. સેંકડો શ્રધ્ધાળુઓ પગપાળા, સાઈકલ, બાઈક દ્વારા પહોંચ્યા છે. તો, બે દિવસમાં અડધો લાખથી વધુ માઈ ભકતોએ ભકિત ભાવપૂર્વક દર્શન કર્યા છે. આજે સોમવારે મંદિર ખુલ્લું રહેશે. પણ, જાહેરનામા મુજબ આવતીકાલ મંગળવાર તા/૧૩/૧૦ થી ૨૫/૧૦ સુધી મંદિર તમામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. માત્ર આરતી અને ધાર્મિક પૂજાવિધિ પરંપરા અનુસાર કરી શકાશે. દર્શનાર્થીઓ માટે ૨૬ મીએ મંદિરના દ્વાર ફરી ખુલશે.

(11:42 am IST)