Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જનનીનું દૂધ

કેટલીક વાર્તાઓ સત્ય ઘટના હોય છે.  કેટલીક સત્ય ઘટનાઓ વાર્તા જેવી લાગે છે.

'અરેરે ! બીબી ફાતિમા ચાલી ગઇ. દીકરો સલીમ સાવ નાનો છે. અરે ! નાનો જ નહિ નવજાત છે. આ નવજાત બાળક માના દૂધ વિના કેવી રીતે જીવશે ?'

આશરે સોએક ઘરનું ગામ છે. મોટેભાગે આહીરોની વસતિ છે. થોડા વસવાયા પણ ખરા. એક મુસ્લિમ પરિવાર છે - રમઝાનભાઇ. ગામના પસાયતા તરીકે કામ કરે છે. રમઝાનભાઇના આ પત્ની ફાતિમાને દીકરાનો જન્મ થયો. જન્મ આપીને ત્રીજે જ દિવસે ફાતિમા અલ્લાહને ઘેર ચાલી ગઇ. બાજુના નાના શહેરમાંથી મૌલવી સાહેબને બોલાવીને બાળકનું નામ રાખ્યું - સલીમ ! રમઝાનભાઇ પર ભારે વિટંબણા આવી પડી છે. બીજું બધું તો ગોઠવાઇ જશે. રમઝાનભાઇના વિધવા બહેન ખમીબહેન બાજુના ગામથી અહીં આવી ગયા. ઘર સંભાળી લેશે પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આ નવજાત બાળક સલીમ કોનું દૂધ પીશે ? આટલો નાનો બાળક માના દૂધ વિના જીવી શકે કેવી રીતે ? શું કરવું ? પરંતુ ભગવાન અર્થાત્ આ રમઝાનભાઇના અલ્લાહ તો છેને તે બધુ ગોઠવે છે અને તેણે બરાબર ગોઠવ્યું. જ્યારે બધી જ દિશાઓ બંધ થઇ જાય ત્યારે અગિયારમી દિશા ખૂલે છે અને અગિયારમી દિશા ખુલી.

રમઝાનભાઇના પાડોશમાં એક આહિર પરિવાર રહે છે. તે ઘરે દેવદાનભાઇના ધર્મપત્ની કરમીબહેનને બે દિવસ પહેલા જ એક દીકરાનો જન્મ થયો છે. મુસ્લિમ ગૃહસ્થ રમઝાનભાઇની વિટંબણા જાણીને આ આહિર માતાએ પોતાના પતિને કહ્યું- 'તમે તે મુસ્લિમ બાળકને અહીં આપણા ઘેર લઇ આવો. હું બંને દીકરાને ઉછેરીશ !'

'પણ બંને દીકરા ધરાય જાય એટલું ધાવણ તારી પાસે છે ?'

'હા, છે ! આપણો આ દીકરો પૂરેપૂરો ધરાઇ જાય ત્યારે પણ મારો પાનો પૂરેપૂરો ઉતરતો નથી. તમે ચિંતા ન કરો. બંને ધરાઇ જશે.'

રમઝાનભાઇએ દીકરો સલીમ ઉછેરવા માટે કરમીબહેનને સોંપી દીધો. આ હીરમાતા કરમીબહેન બંને પુત્રોનો સમાનભાવે ઉછેર કર્યો. બંનેને દૂધ પાયું, પેટભરાવ્યું અને બંનેને સાથે ભોજન પણ કરાવ્યું. આ રીતે બંનેને મોટા કર્યા. આહીર માતાએ પોતાના - પરાયાનો કોઇ ભેદ રાખ્યો નહિ.

મુસ્લિમ બાળક મોટો થયો. આહીર માતાએ તે બાળક તેના મુસ્લિમ પિતાને સોંપી દીધો. બાળક શાળાએ જવા લાગ્યો. ભણીને કમ્પાઉન્ડર બન્યો અને બાજુના નાના શહેરની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે જોડાયો.

* * *

એક વાર તે આહીર માતા ગંભીર રીતે બીમાર થઇ ગઇ તે બીમારી તો આવે તેમાં શું નવી વાત છે ? શરીર છે, તો બીમારી પણ છે જ. એમાં તમારે શું નવી વાત કહેવાની છે.

હા, બીમારી તો આવે, તેમાં કોઇ નવાઇ નથી અને તેમાં કોઇ નવી વાત પણ નથી. પરંતુ આ બીમારીની તો વાત જ જુદી છે. તેમાં ઘણી નવી વાત કહેવાની છે.

ભલે તો કહો - નવી વાત !

આહીર માતા કરમીબહેનની છાતીમાં એક ઘારું પડી ગયું છે. હોસ્પિટલમાં દાખલ થવું જ પડે તેમ છે, અને ઓપરેશન પણ કરવું જ પડે તેમ છે. આહીર ગૃહસ્થ પોતાના ધર્મપત્ની કરમીબહેનને બાજુના શહેરમાં લઇ ગયા અને દાખલ પણ કરાવ્યા. તપાસ કરીને ડોકટરે કહ્યું - 'ઓપરેશન કરાવવું જ પડશે.'

'ભલે, ઓપરેશન કરો, સાહેબ તેમાં અમારી ના નથી, ના પડાય જ નહિ.'

'તે તો બરાબર છે. હું ઓપરેશન કરીશ અને સારૃં પણ થઇ જશે. પણ તમે જાણો છો ? ઓપરેશન થાય એટલે દર્દીને લોહી પણ ચડાવવું પડે. લોહી કોણ આપશે?'

'સાહેબ, મારૃં લોહી લઇ લો. મારા ઘરનું માણસ છે. મારે જ લોહી આપવું જોઇએ ?'

'પણ ગમે તેનું લોહી ન ચાલે. લોહીના ગ્રુપ હોય, જેનું ગ્રુપ મળતું આવે તેનું જ લોહી ચડાવાય, સમજ્યા ?'

ચાર-પાંચ સંબંધીઓ અને અન્ય લોકોના લોહીના ગ્રુપની તપાસ થઇ. હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડરના લોહીનું ગ્રુપ કરમીબહેનના લોહીના ગ્રુપ સાથે મળતું આવે છે.

ડોકટરે કમ્પાઉન્ડરને પૂછયું-

'તમારૃં લોહીનું ગ્રુપ દર્દીના લોહીના ગ્રુપ સાથે મળતું આવે છે તમે લોહી આપશો ?'

કમ્પાઉન્ડર તુરંત તૈયાર થયા અને કહ્યું- 'ખુશીથી સાહેબ ! જેટલું જોઇએ તેટલું લોહી લઇ લો!'

'આ દર્દી કરમીબહેન તમારા કાંઇ સગા થાય છે ?'

'હા સાહેબ ! તેઓ મને નથી ઓળખતા, પરંતુ હું તેમને ઓળખું છું.'

તેમની વચ્ચેની વાત તો અહીં પૂરી થઇ.

દર્દી કરમીબહેને આગ્રહ રાખ્યો. અજાણ્યા માનવીનું લોહી મફત ન લેવાય. તેની કિંમત પેટે કંઇક આપવું જ જોઇએ. તેઓ ધન ન સ્વીકારે તો મારાથી તેમનું લોહી ન લેવાય. આહીર ગૃહસ્થે તે કમ્પાઉન્ડરને લોહીની કિંમત પેટે હજાર રૂપિયા આપ્યા. કમ્પાઉન્ડરે તે સ્વીકારી લીધા. કમ્પાઉન્ડરે લોહી આપ્યું. લોહી આહીર માતાને ચડાવ્યું. ઓપરેશન સારી રીતે થયું. માતાનું સ્વાસ્થ્ય બરાબર થઇ ગયું. આહીર પતિ-પત્ની ગામડે પોતાને ઘેર ગયા. હજુ થોડી અશકિત છે. મોટે ભાગે પથારીમાં બેસી રહે કે સૂઇ રહે છે.

* * *

થોડા દિવસો પછી તે કમ્પાઉન્ડર ગામડે જાય છે તે આહિર ગૃહસ્થ દેવદાનભાઇને ઘેર જાય છે. કરમીબહેનનું સ્વાસ્થ્ય સારૃં છે. ઘરમાં થોડું હરીફરી શકે છે, તો પણ મોટેભાગે પથારીમાં બેસી રહે છે. કમ્પાઉન્ડર પથારીની પાસે જ બેઠો. કરમીબહેન આવકારો આપે છે અને પછી પૂછે છે - 'ભાઇ ! તમારે અમારે લાયક કાંઇ કામ છે. હોય તો કહો - શું જોઇએ ?'

'મા પોતાના સંતાનને 'તમે' કહીને ન બોલાવે, અને છતાં બોલાવે તો દીકરાનું અકલ્યાણ થાય !'

'હું તમારી વાત સમજી નહિ !'

'તમે કેટલા દીકરાને તમારૃં દૂધ પાયું છે ?'

'બે દીકરાને ?'

'એક મારો દેવાણંદ અને બીજો મારો સલીમ.'

'મા, સામે બેઠો છે, તે કોણ છે ? તમે મને ઓળખ્યો ?'

કરમીબહેન ધારી ધારીને નીરખે છે અને પછી તો શી વાત ! જાણે નવી વાણી ફૂટે છે- 'અરે ! તું મારો દીકરો સલીમ !'

'હા, મા ! હું તમારો દીકરો સલીમ !'

કરમીબહેને બંને હાથ લાંબા કર્યા. સલીમે આગળ નમીને મસ્તક હાથ નીચે મૂકયું અને કરમીબહેને ભાવપૂર્વક દુઃખડા (મીઠડા) લીધા.

હવે બોલવાનો વારો સલીમનો છે- 'મા ! તમે મને ભૂલી ગયા હતા, પરંતુ હું તમને ભૂલ્યો નથી. તમે મને ઉછેરીને મોટો કર્યો છે. તમે મને દૂધ પાઇને મોટો કર્યો છે. આ શરીરમાં જે લોહી છે, તે તો આપના દૂધથી બન્યું છે. તેથી જ આપની બીમારી વખતે આપને આનંદપૂર્વક લોહી આપ્યું છે. મેં આપનું જ લોહી આપને આપ્યું છે. તેમાં મેં આપના ઘર કોઇ ઉપકાર કર્યો નથી. મારી જન્મદાત્રી માને તો મેં જોઇ જ નથી. મારે મન તો આપ જ મારી માતા છો. જન્મ આપનારી માતા કરતા ઉછેરીને મોટા કરનારી માતા જ મોટી છે. શ્રીકૃષ્ણની માતા યશોદાજી ગણાય છે ને !'

કમ્પાઉન્ડર સલીમ બે હજાર રૂપિયાની નોટો ખિસ્સામાંથી બહાર કાઢી માતા કરમીબહેનના ચરણોમાં મૂકે છે. કરમીબહેન તુરંત પૂછે છે - 'પરંતુ આ રૂપિયા શા માટે આપે છે ?'

'આપનું જ લોહી મેં આપને આપ્યું, તેના પૈસા મારાથી ન લેવાય. તેથી આ પૈસા પરત કરૃં છું.'

કરમીબહેન સમજી ગયા- મને લોહી આપનાર કમ્પાઉન્ડર આ મારો સલીમ જ છે, તો પણ કરમીબહેન પૂછે છે- 'તો તે વખતે તે પૈસા લીધા શા માટે ?'

'તે વખતે આપે મને ઓળખ્યો ન હતો. તે વખતે હું આપના માટે અજાણ્યો માણસ હતો અને અજાણ્યા માણસનું લોહી મફત ન લેવાય તેવો તમારો આગ્રહ હતો. લોહી આપ્યા વિના આપને બચાવી શકાય તેમ નહોતું. બધી સ્પષ્ટતા કરવાનો સમય ન હતો. તેથી તાત્કાલિક લોહી આપવા માટે અને આપના મનના સમાધાન માટે મેં પૈસા લઇ લીધા. પરંતુ આ પૈસા મારાથી રાખી ન શકાય. આ પૈસા પરત આપવા અને આપને પ્રણામ કરવા માટે જ આવ્યો છું !'

માતા અને પુત્ર, બંનેની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી.

આ આંસુ શાના ?

દુઃખના ? ના, સ્નેહના ?

 

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(10:12 am IST)