Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સમગ્ર ગુજરાતને પક્ષીજગતના નકશામાં મુકનાર

ભાવનગરના પ્રખર પક્ષીવિદ ડો.ભવભૂતિ પારાશર્યનો કોરોનાએ ભોગ લઇ લીધો

ભાવનગર તા.૧૨:ભાવનગરના પ્રખર પક્ષીવિદ અને સમગ્ર જગતમાં ગુજરાતને પક્ષીજગતના નકશામાં મુકનાર ડો. ભવભૂતિ મુકુંદરાય પારાશર્યનું ૬૬ વર્ષની ઉંમરે કોરોનાથી અવસાન થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર ડો. ભવભૂતિ પારાશર્ય પ્રખર પક્ષીવિદ સલીમઅલીના ખૂબ જ માનીતા વૈજ્ઞાનિક હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા અનેક પરિસંવાદોમાં તેમના સંશોધનના ઉલ્લેખ કરતા. ભારત તેમજ વિદેશોમાં પ્રસિદ્ઘ થતા અનેક જર્નલોમાં તેમના સંશોધનના લેખો પ્રકાશિત થતા રહેતા.

પ્રારંભમાં પૂનાની સંસ્થા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં સંશોધક વૈજ્ઞાનિક તરીકે કામ કર્યા પછી તેઓ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ હેડ તરીકે જોડાયા અને તેમના માર્ગદર્શન નીચે અનેક વિદ્યાર્થીઓએ પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. કાંઠાળ પ્રદેશના પક્ષીઓ ખાસ કરીને ફ્લેમિંગો અને સારસ પક્ષીઓના વિષયમાં એક અગ્રગણ્ય વૈજ્ઞાનિક તરીકે તેમનું નામ સુપ્રસિદ્ઘ છે.

પીલગાર્ડનમાં આવેલા યાયાવરી પક્ષીઓ અને અને તેમના માળાઓ અને પ્રજનન અંગેનો અભ્યાસ એક મોટો દસ્તાવેજ બની રહ્યો છે. ભાવનગરમાં સતત વાહનવ્યવહાર હોય તેવા રસ્તાઓ અને વસાહત વચ્ચે પણ પક્ષીઓ જે રીતે માળાઓ બનાવીને રહે છે તે અંગેનો તેમનો અભ્યાસ ખૂબ જ આકર્ષે છે. માનવ વસાહતને લીધે પર્યાવરણને થતું નુકશાન એ એમની સજ્જતા બતાવે છે.

વધુ ૧૩ને પોઝીટીવ

જિલ્લામા વધુ ૧૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૪૮૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે ૧ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૧૯ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૩૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૪૮૪ કેસ પૈકી હાલ ૨૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૨૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:43 am IST)