Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઇતિહાસમાં પહેલી વાર લાંબો સમય બંધ રહેલા સિનેમાના પડદા ફરી ધબકતા થશે કે નહી ?: ૧પમીએ આતુરતાનો અંત

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા., ૧૨: કોરોના વિશ્વ મહામારીને કારણે સાત-આઠ મહિના રૂપેરી પરદાના થીયેટરો બંધ રહયા બાદ કેન્દ્ર સરકારે ૧પ ઓકટોબરથી નિયત નિયમો સાથે સીનેમાગૃહો શરૂ કરવાની છુટ આપી છે પરંતુ એ શરૂ થશે કે નહી તેને માટે ૧પ ઓકટોબર રાહ જોવી રહી.જીલ્લા શહેરોમાં આજે તે સ્થળે સીનેમા ન હોવા છતાં તે રોડને તે વખતના સીનેમાના નામે આજે પણ ઓળખાય છે.

સોમનાથ પંથકમાં શહેરમાં હાલ પાણીની ટાંકી છે તે સ્થળે મોટુ મેદાન હતું. ત્યાં એક સરકર તે જમાનામાં આવેલ અને ગામડ-ગામડેથી માણસો તે જોવા ભીડની જેમ ઉમટતા અને તે ભીડ સાથોસાથ સીનેમા પણ જોતી અને અધરાત-મધરાત્રે શો છુટયા પછી ગામડે જવા વાહન મળે નહી એટલે સરકર મેદાનની સામે જ આવેલ ગુલશન સીનેમામાં તે સમયે 'ઝનક-ઝનક-પાયલ બાજે' ફિલ્મના રાઉન્ડ ધ કલોક શો ચાલ્યા હતા. જે લગભગ ત્રણ મહિનાથી ઉપર સુધી એટલે કે છેલ્લો શો સવારે ચાર કે છ એ છુટતો.

'નયા દોર' ફીલ્મના 'ઉડે જબ જબ ઝુલ્ફે તેરી કંવારીયા દિલ મચલે' તેમજ 'આશ કા પંછી' ફિલ્મના ગીત 'તુમ્હે ઔર કયાં દું, ઇસ દિલ કે શીવા' ગીતો ફીલ્મમાં રજુ થાય ત્યારે પ્રેક્ષકો ધૂમ પૈસો-પરચુરણ ઉડાડી તે ગીતોને વન્સમોર કરતા અને સીનેઘરોએ રીલ રીવર્સ કરીને વારંવાર તે ગીત પડદા ઉપર પ્રસ્તુત પણ કરતા.પડદા આગળ એકઠા થયેલા પૈસા-પરચુરણ કર્મચારીઓ વીણી લેતા.

'જય સંતોષી માં' ફિલ્મ સહીત માતાજીની સારી ફીલ્મ આવતી ત્યારે ચાલુ ફીલ્મે દર્શકોમાંથી કોઇને કોઇ ધુણતા અને પડદાના માતાજીને સાચા માની નાળીયેર પણ વધેરતા જે વધવા માંડતા સીને સંચાલકોએ ચાલુ ફીલ્મમાં કોઇએ ધુણવુ નહી અને નાળીયેર ફેંકવા નહી કે ફોડવા નહી તે બોર્ડ પણ લગાવવા પડયા હતા.કરૂણ પીકચરોના દ્રશ્યમાં પ્રેક્ષકો એટલા આત્મસાત થતા કે સીનેમાના પડદે તે દ્રશ્ય જોઇ ધ્રુસકે ધ્રુસકે રડતાં કે સુમસામ બની જતાં જેમ કે  'ગંગા મૈયા મેં જબ તબ યે પાની રહે, મેરે સજના તેરી જીંદગાની રહે...ઓ ગંગા મૈયા-ગંગા મૈયા' ગીત હોય કે સીનેમામાં લગ્નનું દ્રશ્ય હોય અને ચાલુ લગ્ને વરરાજા દહેજની માંગણી કરે અને કન્યાનો બાપ તેને તે સમયે સંતોષી ન શકે અને વરરાજા અને તેના પિતાને આંખમાં આંસુ અને પાઘડી-ટોપી ઉતારી કાલકુદી કરતો હોય તેવા દ્રશ્યો લોકોને રડાવતાં જેવી તાકાત આજે ટીવી ઉપર રજુ થતી સીરીયલોમાં પણ નથી.

સીનેમાના ઇન્ટરવેલ-શો છુટયા બાદ તે ફિલ્મના ગીતોની ચોપડીઓ વેચવાવાળા વેચી ગુજરાન ચલાવતા તો શો હાઉસફુલ થવાના અનેકો બનાવ બન્યા છે જે 'હાઉસફુલ' નામનો શબ્દ સીનેમાંથી જોવા મળ્યો નથી. હા, 'હાઉસફુલ' નામની ફીલ્મ પણ બની છે.

પોણા પાંચ આના ટીકીટ તે કાળમાં હતી અને નિશાળના બાંકડા જેવા આધાર વગરના બાંકડા થર્ડ કલાસ ટીકીટ માટે હતા. દિવાળી અને ઇદ ઉપર કઇ ફિલ્મ ચડે છે તે ટોક ઓફ ધ ટાઉન બનતું. સીનેમાની ટીકીટો ઘણા સાચવી રાખતા.

સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે શું વાત કરવી તે સીનેમાના જમાનાની 'ગુજરા હુવા જમાના આતા નહી દુબારા' લોકોને ડાયલોગ-ગીતો અક્ષરશઃ મોઢે રહેતા 'કાલીયા તેરા કયા હોગા', 'શેરખાન યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારા બાપ કા ઘર નહી', 'તુમ્હારા ખુન-ખુન, કયાં હમારા ખુન પાની', 'શીશે કે ઘરમેં રહને વાલે દુશરો કે ઘર પથ્થર નહી ફેંકતે ચીનાઇ શેઠ'.

(11:45 am IST)