Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ભાવનગરની સુંદરતામાં વધુ એક છોગું ઉમરાયું અકવાડા લેઇક ફ્રન્ટનું લોકાર્પણ કરાયું

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૨:સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ.૧૧.૨૪ કારોડના ખર્ચે નિર્માણ પામેલ અકવાડા લેઈક ફ્રન્ટનું રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રી સુશ્રી દવેએ જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલું આ તળાવ બારેમાસ પાણીથી ભરાયેલું રહે છે એ તેની વિશિષ્ટતા છે ત્યારે આવા રમણીય સ્થળનો વિકાસ થાય તે માટે અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને આજે અકવાડા લેક ફ્રન્ટના ફસ્ટ ફેઈઝનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. ભાવનગરથી ઘોઘા-દહેજ તેમજ ઘોઘા- હજીરા રો-રો ફેરી સુધી જવાના માર્ગ પર આવતું આ સ્થળ અનેક રીતે મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં તખતેશ્વર, બોરતળાવ વગેરેની જેમ આ સ્થળ પણ ભાવનગરની એક આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વિકાસના કોઈપણ કામો નાણાંના અભાવે અટકી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ યોજના અમલમાં લાવી અને યોગ્ય નાણાંકિય જોગવાઈઓ કરી છે તેમ જણાવી ભાવનગરને ટાઉનહોલ, આધુનિક આરોગ્ય કેન્દ્રો, ગંગાજળીયા તળાવનું બ્યુટીફીકેશન, ફલાય ઓવર, કંસારા નાળા પ્રોજેકટ, સિકસ લેઇન રોડ સહિતના લોકોપયોગી પ્રકલ્પો મળ્યા તે અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

તાજેતરમાં રૂ.૨૫૬ કરોડના વિકાસલક્ષી કામો મંજુર કરી પોતાની ફરજો સુપેરે નિભાવવા બદલ મંત્રીશ્રીએ આ તકે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ નવનિર્મિત લેક ફ્રન્ટની પોતાના ઘરની જેમ જ જાળવણી કરવા લોકોને અપીલ કરી હતી.

આ પ્રસંગે મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, તથા કમિશનર એમ.એ.ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.જયારે સ્વાગત વિધિ કોર્પોરેટર  ડી.ડી.ગોહિલ તેમજ આભારવિધિ પૂર્વ મેયર શ્રીમતી નિમુબહેન બાંભણીયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અભયસિંહ ચૌહાણ, કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો તથા અકવાડાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અકવાડા લેઇક ફ્રન્ટના મુખ્ય આકર્ષણો

આકર્ષક વેલકમ ગેઇટ, પાર્કિંગ, ગાર્ડન એરિયા તથા તળાવના પાળા પર સુંદર પાથવે, બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પાર્ક, જમ્પિંગ વોલ, ભૂલ ભુલામણી, મેરી-ગો રાઉન્ડ, કલાઈમ્બર, સ્લાઈડર, ઉચક-નીચક, હિંચકો, ટોય ટ્રેન, માઉન્ટ ટનલ, ટોય ટ્રેન સ્ટેશન, ખાણીપીણી માટે ફૂડ ઝોન, બતક શેઇપ રેસ્ટોરન્ટ, વોકિંગ ટ્રેક તથા વોટર રિટેઈનિંગ વોલ, ૧૦ સીટ આઉટ ગજેબો, ટીકીટ કાઉન્ટર, એડમીન ઓફિસ, સિકયુરિટી ઓફિસ, પીવાના પાણીની સગવડ અને ટોઈલેટ બ્લોકસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.

(11:46 am IST)