Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

શિહોર તાલુકામાં અતિ પુરાતન બ્રહ્મકુંડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૨: શહેરથી ર૩ કિલોમીટર દૂર  શિહોર ગામનું જુનું નામ સિંહપુર હતું. આ શિહોરને લોકો છોટે કાશી તરીકે પણ ઓળખે છે. શિહોર ડુંગરાળ પ્રદેશ છે અમુક લોકો આજે પણ ડુંગર ઉપર વસવાટ કરે છે.

શિહોર ઔતિહાસીક અને ધાર્મિક ગામ તરીકે ઓળખાય છે શિહોરમાં નવનાથ મહાદેવ પણ પ્રસિઘ્ધ છે. પુરાતન મંદિરોમાં ગૌતમેશ્વર મહાદેવ, પ્રગટનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, વેજનાથ મહાદેવ અને ડુંગર ઉપર શિહોરી માતા બિરાજે છે. જુના શિહોરની દક્ષિણ દિશાની કોટ વિસ્તારમાં બ્રહ્મકુંડ આવેલો છે એવું માનવામાં આવે છે કે તેનું બાંધકામ રાજા સિદ્ઘરાજ જયસિંહજી દ્વારા કરાયું હતું બ્રહ્મકુંડની ચૌકકસ તારીખ ઉપલબ્ધ નથી. તેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં મળી આવેલ છે.લોકવાયકા મુજબ આ કુંડમાં કોઈપણ ચર્મ રોગથી પીડાતી વ્યકિત સ્નાન કરે તો તેનો રોગ મટી જાય છે. આ બ્રહ્મકુંડનું પાણી ચમત્કારીક ગણાય છે. બારમી સદીથી આ કુડ અંગેના ઉલ્લેખ સિદ્ઘરાજ સાથે મળી આવેલ છે બ્રહ્મકુંડ મઘ્યકાલીન સ્થાપત્યશૈલીમાં બંધાયેલો છે અને તેની રચના, પગથીયાઓ, નાના મંદિરો, હિન્દુ દેવી - દેવતાઓની મૂર્તિઓ, પથ્થર પરનું કોતરકામ દરેક સંકુલમાં દરેક જગ્યાએ કોતરણી અને આ બ્રહ્મકુંડ કેટલીક વૈજ્ઞાનિક રચનાઓ પણ ધરાવે છે. કુંડની નજીક ગૌતમતળાવ આવેલું છે. શ્રાવણમાસના છેલ્લા દિવસે ભાદરવી અમાસે અહિંયા લોકમેળો ભરાય છે. લાખો લોકો આ મેળામાં આવે છે. પુરાતનખાતાએ આ બાબતમાં કોઈ ખાસ પગલા લીધા નથી અને સમારકામ તેમજ દેખરેખ રાખી નથી પણ શિહોરમાં જવાનું થાય તો દરેક લોકોએ આ એતિહાસીક બ્રહ્મકુંડની એક વખત મુલાકાત લેવી જોઈએ.

(11:49 am IST)