Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામજોધપુર તાલુકાના સતાપર ગામની સગીરાનું અપહરણ

પોલીસે તપાસનો દોર વિલાસપુર સુધી લંબાવી સગીરાને શોધી કાઢીઃ જયારે આરોપી ફરાર

જામનગર, તા., ૧૮: જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી એક સગીરાનું મકરસંક્રાંતી પર્વના દિવસે બપોરે પોતાના ઘેરથી અપહરણ થઇ ગયું હતું. જેને વિલાસપુર ગામનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતા સગીરાની માતાએ જામજોધપુર પોલીસ મથકમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના અનુસંધાને પોલીસે તપાસનો દોર લંબાવી વિલાસપુર ગામમાંથી સગીરાને શોધી કાઢી છે. જયારે અપહરણ કરી જનાર ભાગી છુટયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

૧૭ વર્ષની એક સગીરાનું મકરસંક્રાંતીના પર્વના દિવસે બપોરે તેણીના ઘેરથી અપહરણ થઇ ગયું હતું. સગીરાના માતા-પિતા નવું મોટર સાયકલ ખરીદ કરવા માટે જામજોધપુર ગયા હતા. પાછળથી વિલાસપુર ગામનો રાહુલ માલદે વિંઝુડા સગીરાને ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતા તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

 જે ફરીયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને તપાસનો દોર વિલાસપુર સુધી લંબાવ્યો હતો. દરમિયાન ત્યાંથી ગુમ થઇ જનાર સગીરા મળી આવી હતી. પોલીસે તેનો કબ્જો સંભાળી જામજોધપુર લઇ આવ્યા પછી તેની મેડીકલ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આરોપી રાહુલ માલદે ભાગી છુટયો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પ્રાથમીક પુછપરછ દરમિયાન સગીરા એક સ્થળે મજુરી કામ કરવા જતી હતી. જયાં વિલાસપુરનો શખ્સ મજુરી કામે આવતો હોવાથી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આરોપી રાહુલે સગીરાને ફોસલાવીને તેણીનું અપહરણ કરી ગયો હતો.

(12:08 pm IST)