Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધોરાજીમાં ઝેરી દવા પીનાર ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ દેસાઇ ત્રીજા દિવસે પણ ગંભીર

હોસ્પિટલના ડોકટરોએ વેન્ટિલેટર પર લીધા : પોલીસ બે વખત નિવેદન નોંધ્યા વિના પરત ફરી : રાજકીય દબાણ થયું હોવાની લોકચર્ચા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૯ : ધોરાજીમાં ભાજપમાંથી ઉમેદવારી પરત ખેંચનાર ડો. ચિરાગ દેસાઈની તબિયત નાજુક બનતા તેમને વેન્ટિલેટર પર લેવામાં આવતા ભારે ચર્ચાઓ વ્યાપી જવા પામી છે.

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે તાલુકા પંચાયતની બેઠક લડવા ડોકટર ચિરાગભાઈ દેસાઈ એ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જે બાદ તેઓએ ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાતે શિવ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

શિવ હોસ્પિટલ ના ડો. હાર્દિક સંઘાણી એ જણાવેલકે ચિરાગ દેસાઈ ની તબિયતમાં સુધારો નહીં જણાતા તેમને જરૂરી સારવાર માટે હાલ આઈ સી. યુ. વિભાગમાં વેન્ટિલેટર પર લેવામાં આવ્યા છે. હજુ ત્રણ દિવસ સુધી સતત ઓબઝર્વેશન હેઠળ રખાશે.

આ મામલે ધોરાજી પોલીસ ઇન્સપેકટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલકે આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે બે વખત દર્દીનું નિવેદન નોંધવા પોલીસ ગયેલ હતી. પરંતુ પેશન્ટ ચિરાગ દેસાઈ ની સ્થિતિ નિવેદન આપી શકે તેવી ન હોવાથી પોલીસે પરત ફરવું પડ્યું હતું. હવે પેશન્ટની હાલત સુધારા પર આવે ત્યારે નિવેદન નોંધવામાં આવશે.

આ મામલે ડોકટર ચિરાગભાઈ ના પિતાજી રમેશભાઈ દેસાઈ સાથે થયેલ વાતચીત દરમિયાન રમેશભાઈ દેસાઈ એ જણાવેલકે થોડા દિવસોથી ચિરાગ ટેનશનમાં હતો તેમના પરિવારજનો પણ સતત ટેન્શનમાં છે. બાકી સંપૂર્ણ માહિતી ચિરાગ ભાનમાં આવે ત્યારે હકીકત જાણી શકાય.

અત્રે ઉલ્લેખનીય છેકે ડોકટર ચિરાગ દેસાઈ એ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારી પરત ખેંચી લીધી અને તે પાછળ કોઈ રાજકીય પ્રેશર હોય તેવી લોકચર્ચા ઉઠી રહી છે.

(11:34 am IST)