Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ચોટીલા ખાતે રોપ-વે બનાવવા મુંબઇના ભાવિકોની લાગણીઃ વિજયભાઇને પત્ર પાઠવ્યો

મોટી વયના અને શારીરીક નબળા લોકોને નિરાંત થશેઃ પર્યટન અને આર્થીક ક્ષેત્રે ગતિ મળશેઃ ભૂપેન્દ્ર ઠકકરે ધ્યાન દોર્યું

મુંબઇઃ ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરતા દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ તેમજ દત દિગંબર તથા અંબાજીના પૂજકોમાં આનંદ છવાઇ ગયો છે. આ રોપવેને કારણે હવે મોટી ઉમરના તેમજ શારીરીક અક્ષમતા ધરાવતા લોકોને ભારે રાહત થશે. જો કે ગિરનાર બાદ હવે ચામુંડા માતાના દેવસ્થાન ચોટીલા ડુંગર ખાતે પણ રોપ-વે બનાવવો જોઇએ એવા મુંબઇના ભાવિકોમાં ભારે વિનંતી ભેર માંગ ઉઠી છે.

ચોટીલા ડુંગર પર આશરે ૫૦૦ પગથીયા આવેલા છે. પરંતુ આ પગથીયાનો ચડાણ અઘરો હોવાથી મોટી ઉમરના તથા પગના દુઃખાવા કે શારીરીક ક્ષમતા ધરાવતાં લોકોને ડુંગર ચડવો મુશ્કેલ બની રહે છે. તો કેટલાય લોકો ડુંગર કેમ ચડી શકાશે એ ડરથી મંદિરના દર્શનાર્થે જતા જ નથી. આથી અહિં રોપ-વે  બનાવવાની માગ મુંબઇના ભાવિકોમાં ઉઠી છે. વળી જયાં જયાં રોપ-વે બને છે, ત્યાં દર્શનાર્થીઓની સંખ્યા પણ વધે છે. ગબ્બર, પાવાગઢ, ગિરનારમાં રોપ-વે થઇ ગયો હોવાથી માત્ર ચોટીલા ડુંગર જ હવે રોપ-વેથી વંચીત છે. આથી ત્યાં પણ રોપ-વે બનવો જોઇએ, એવી મુંબઇગરાની માગણી ગુજરાત સરકાર તેમજ શ્રી વિજયભાઇ રૂપાણીને પહોંચાડવા મુલુન્ડના એક સમાજ સેવક ભુપેન્દ્રભાઇ ઠકકરે ઇ-મેલ વ્યવહાર પણ કર્યો છે.

મુંબઇ તેમજ અન્ય વિસ્તારમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ચોટીલા જાય છે રોપ-વેની સુવિધાથી પર્યટન અને આર્થીક ક્ષેત્રે સારો વિકાસ થશે તેવી લાગણી છે.

(12:48 pm IST)