Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સરધારના બે ખેડૂતોએ કાયમી કેનાલ - પાણી નિકાલનો માર્ગ બંધ કરી દેતા ૧૦૦ ઘરમાં પાણી ઘુસી ગયા : તંત્ર દોડયું

તંત્ર દ્વારા જેસીબીની મદદથી કોઝવે દૂર કરાયો - સિધ્ધરાજ તળાવના પાણીનો નિકાલ કરાયો : ૨૦૦ વીઘા જમીન બેટમાં ફેરવાઇ : સવારના પહોરમાં મામલતદાર - પોલીસ સિંચાઇ દ્વારા ઓપરેશન

રાજકોટ તા. ૨૭ : તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે સરધારનું સિધ્ધરાજ તળાવ ઓવરફલો થઇ ગયું હતું, આ ઓવરફલો પાણીનો નિકાલ કાયમી કેનાલ બંધ થઇ જવાને કારણે નિકાલ નહી થતાં અંદાજે આસપાસમાં આવેલા ૧૦૦થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.

કેનાલની આગળના ભાગે ખાનગી માલિકીના ખાતેદાર રવજીભાઇ દેવશીભાઇ તથા મોહનભાઇ દેવસીભાઇએ તેમના ખેતરમાં આવેલ કાયમી કેનાલ બંધ કરી જમીન સમથળ કરી નાંખતા, ઉપરોકત ૧૦૦થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા, આથી સિંચાઇ ખાતાએ આજે ઓપરેશન હાથ ધરવા, આજીડેમ પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો હતો, અને તાલુકા મામલતદારને જાણ કરી હતી.

આ પછી તાલુકા મામલતદાર શ્રી કથિરીયા, નાયબ મામલતદારશ્રી વિજય વસાણી અને સિંચાઇ - પોલીસની ટીમે ઓપરેશન હાથ ધરી જેસીબીની મદદથી આ બૂરી દેવાયેલ કેનાલ, જમીન, કોઝવે દુર કરી પાણી નીકાલનો બંદોબસ્ત કર્યો હતો.

સરધારના આ તળાવના પાણી ૨૦૦ વીઘા જમીનમાં ફરી વળતા, તમામ જમીન બેટમાં ફેરવાઇ ગઇ હતી, આ જમીન પચાયતની અને ખેતીની જમીન હોવાનું બહાર આવ્યું છે.

ટીમ દ્વારા ઓપરેશન બાદ ઉપરોકત બંને ખેડૂતોને બોલાવી તાકીદ કરાઇ હતી, ઓપરેશન સમયે લોકો એકઠા થઇ ગયા હતા.

(2:51 pm IST)