Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હિટ એન્ડ રન : મોરબીમાં બે સગા ભાઇ અને સાળા - બનેવીના મોત

માળિયા ફાટક પાસે જ બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો : ૪ રાજસ્થાનીનો ભોગ લેવાયો : રાજસ્થાનના ઉદેપુરથી આવેલા યુવકો માળીયા ફાટક પાસે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે હડફેટે લીધા : એકને ઇજા : વાહન ચાલકની શોધખોળ

મોરબી : તસ્વીરમાં ઘટના સ્થળે મોટરસાયકલ તથા લોહીના ખાબોચીયા નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : મોરબીના માળીયા ફાટક પાસે આજે સવારે હિટ એન્ડ રનની ઘટનામાં ૪ રાજસ્થાની યુવકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકોમાં ૨ સગાભાઇઓ અને સાળા - બનેવીનો સમાવેશ થતા ઘેરો શોક છવાયો છે.

બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના માળિયા ફાટક પાસે આજે વહેલી સવારના લગભગ ૪ વાગ્યના સમયે સમયે રાજસ્થાના ઉદેપુરથી ચાર યુવાનો તેજારામ વખતારામ ગામેતી (ઉ.૧૭) શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.૧૯) સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉં.૧૮), મનાલાલા ઉમેદજી કળવા (ઉ.વ.૧૯) આવ્યા હતા તેને મોરબીમાં રહેતો રાજસ્થાન યુવાન દિનેશ શંભુભાઈ તેનો ને તેડવા માટે આવેલો હતો પરંતુ જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ માળીયા ફાટક પાસે ઉભેલા આ પાંચ યુવાન ઉભા હતા અને જે યુવાન તેડવા આવ્યો હતો તે બાઇક પર હતો ત્યારે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે આ પાંચેય યુવાનોને હડફેટે લીધા હતા જેમાં ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતા તો એકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ની ટીમ દોડી ગઇ હતી અને પી.એમ માટે ખસેડાયા હતા તો કયાં વાહન ચાલકે અકસ્માત સર્જી નાસી ગયો તેને ઝડપવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતમાં બે સગાભાઇઓ શિવાજી પ્રતાપભાઇ ગામેતી અને સુરેશ પ્રતાપભાઇ ગામેતીનો તથા મનાલાલ ઉમેદજી કળાવા અને શિવાજી પ્રતાપભાઇ સાળો - બનેવી હોવાનું ખુલ્યું છે.

(10:55 am IST)