Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પુરૃષોતમ રૃપાલાની ક્ષત્રિય સમાજ વિશેની અભદ્ર ટીપ્પણી સામે રાજપૂત સમાજમાં ભભુકતો રોષ

બહુમાળી ભવન ચોકમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા અગ્રણીઓએ રોષ ઠાલવ્યોઃ આયાતી ઉમેદવાર રૃપાલા ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેઃ પી.ટી.જાડેજા

રાજકોટ તા.ર૭ :  તાજેતરમાં રાજકોટમાં રૃખી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને  ભાષા ઉપરની જબરી પકડ માટે જાણીતા પુરૃષોતમભાઇ રૃપાલાએ ભારતના ઇતિહાસમાં  અમુલ્ય યોગદાન આપનાર ક્ષત્રીય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેનો વિડીયો વાયરલ થયા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ક્ષત્રીય રાજપૂતોમાં પ્રચંડ રોષ જનમ્યો છે. આ રોષને ગઇ સાંજે બહુમાળી ચોકમાં એકઠા થયેલા રાજપૂત અગ્રણીઓએ   મીડીયા  સમક્ષ ઠાલવી રૃપાલાને આવતા દિવસોમાં ગંભીર પરિણામો માટે તૈયાર રહેવા ચીમકી આપી હતી અને એક સમાજને ઉંચો અને બીજા સમાજને નીચો દર્શાવવાની કુચેષ્ઠા સામે વિરોધ નોંધાવ્યો હતો.

કરણી સેના, રાજપૂત સંઘ અને શહેરના અસંખ્ય ક્ષત્રીય અગ્રણીઓએ પુરૃષોતમ રૃપાલા જેવા શિક્ષિત વ્યકિત દ્વારા આગામી ચુંટણી દરમિયાન મતલક્ષી રાજકારણના ભાગરૃપે જાણી જોઇ અભદ્ર ટીપ્પણી કર્યાનો સુર પણ ઉઠાવ્યો હતો.

રાજપુત સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ ધુંવાધાર ભાષામાં જણાવ્યું હતું કે એક શિક્ષક દરજજાની વ્યકિત ઇતિહાસનું ભાન ન હોય તેવુ઼ વર્તન કરી વિધર્મીઓ અને અંગ્રેજો સામે સતત લડી સનાતન ધર્મનું રક્ષણ કરનાર વિરયોધ્ધા મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ, શિવાજી મહારાજ, સોમનાથનાં રક્ષણ માટે સામી છાતીએ લડી બલીદાન આપનાર વીર હમીરજી ગોહિલ સહિત ગણ્યા ન ગણી શકાય તેવા ક્ષત્રીય યોધ્ધાઓના બલીદાન ભુલી જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરે તે ક્ષત્રિય સમાજ સાંખી નહી લ્યે. પુરૃષોતમભાઇ રૃપાલાએ સોશીયલ મીડીયા ઉપર તુરંત માફી માંગી લીધી છે. પરંતુ અમને તે  સ્વીકાર્ય નથી. ક્ષત્રીય સમાજ આવતા દિવસોમાં સજજડ વિરોધ નોંધાવતો રહેશે.

ઉપસ્થિત આગેવાનોએ રૃપાલા વિરૃધ્ધ સુત્રોચ્ચાર કરી આગામી દિવસોમાં તેમના વિરૃધ્ધ લડતને ઉગ્ર બનાવવાની નેમ વ્યકત કરી હતી. સાથો સાથ રાજકોટ બેઠક ઉપર તેઓ આયાતી છે તેમની ટીકીટ રદ થાય તેવા પ્રયાસો ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

બહુમાળી ભવન નજીક એકઠા થયેલા ક્ષત્રીય અગ્રણીઓ અને સમાજના જાગૃત લોકોમાં સર્વશ્રી પી.ટી.જાડેજા (આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપુત સંઘ) કરણી સેનાના પ્રદેશ અગ્રણી વિરભદ્રસિંહજાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા), ક્રિપાલસિંહ ઝાલા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, રાજદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, આર.ડી. જાડેજા, ગર્જેન્દ્રસિંહ ઝાલા, સતુભા જાડેજા, હરપાલસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા, જીતુભા ઝાલા, પરાક્રમસિંહ ગોહિલ  ઉપરાંત મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(1:09 pm IST)