Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા. મદદગારી કરનાર આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ એક ઇસમેં દુષ્કર્મ આચર્યું હોય અને ગુનામાં આરોપીના બનેવીએ મદદગારી કરી હોય જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે દુષ્કર્મ આચરનાર નરાધમને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે તો મદદગારી કરનાર આરોપીના બનેવીને શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ કર્યો છે.

    કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૨-૦૫-૨૦૧૯ ના રોજ સગીરાની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરભાઈ પંડ્યાએ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી પોતાના પરિવાર સાથે મુલાકાતના બહાને બનેવી આરોપી બીપીન પ્રવીણ રત્નોતરના ઘરે લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી બનેવીએ રૂમની વ્યવસ્થા કરી મદદગારી કરી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધા હતા.
    જે કેસ સ્પેશ્યલ જજ અને એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં, મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ નીરજ ડી કારીઆએ કોર્ટમાં ૧૬ મૌખિક પુરાવા અને ૨૫ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરભાઈ પંડ્યાને કસુરવાન ઠેરવ્યો હતો જયારે મદદગારી કરનાર આરોપી બીપીનભાઈ રત્નોતરને શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ કર્યો છે.
     કોર્ટે ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યા (ઉ.વ.૨૭) વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨)(આઈ) સાથે વાંચતા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબના ગુનામાં ૧૨ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે જયારે આરોપી બીપીન રત્નોતરને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે આરોપી ધર્મેન્દ્ર પંડ્યા હાલ જામીન પર મુક્ત હોય જેથી જામીન ખત રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે ભોગ બનનારને રૂ ૩ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે ૨૦ હજાર સહીત કુલ રૂ ૩.૨૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે

   
(1:14 am IST)