Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરત-રાજકોટમાં પોલીસ, મનપા કમિશનર સહિતે વેક્સિન લીધી

રાજ્યમાં રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે : સુરતની સ્મીમેર હોસ્પિ.માં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાઈ : રાજકોટમાં ઉચ્ચ અધિકારીેએ રસી લીધી

અમદાવાદ, તા. ૩૧ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે અને આ રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાનું રસીકરણ પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં રસીકરણનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો અને રવિવારે બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમીશનરે રવિવારે રસી લીધી હતી.

બીજા તબક્કામાં ગૃહ વિભાગના કર્મચારીઓ જેવા કે પોલીસકર્મી, હોમગાર્ડ્સ, એસઆરપી જવાનો, મહેસૂલ વિભાગ, શહેરી વિભાગ, પંચાયત વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને રસી આપવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ વધ્યો છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા કલેક્ટર, પાલિકા અને પોલીસ કમિશનર સહિત જિલ્લા વિકાસ અધિકારીએ વેક્સિન લીધી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમર, પાલિકા કમિશનર બંછાનિધિ પાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ વેક્સિન લીધી હતી.

રાજકોટમાં પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહર સિંહ જાડેજાએ રસી લીધી હતી. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને કલેક્ટર રેમ્યા મોહને પણ રસી લીધી હતી. તેમણે કહ્યું હતું રસી સુરક્ષિત છે અને તેનાથી ગભરાવવાની જરૂર નથી.

(9:59 pm IST)