Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ડીજીટલ ગુજરાતની વાસ્તવિકતા :રૂપિયા110 પરત લેવા માટે 400 રૂપિયાનો થશે ખર્ચ ?: કોંગ્રેસના સરકાર પર પ્રહાર

તલાટી – કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ જેટલા અરજીકર્તાઓને હવે ફોર્મ પેટે ભરેલ નાણાં પરત લેવા માટે દરેક જિલ્લા પંચાયતમાં જવું પડશે

ગાંધીનગર: રાજ્ય સરકારે તાલુકા – જીલ્લા પંચાયતોમાં વર્ગ – 3ના કર્મચારીઓની ભરતી માટે જીલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે પોતાના હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી છે. ત્યાં વળી ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી – કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ જેટલા અરજીકર્તાઓને હવે ફોર્મ પેટે ભરેલ નાણાં પરત લેવા માટે દરેક જિલ્લા પંચાયતમાં જવું પડશે. 110 રૂપિયાની ફોર્મ ફી પરત લેવા માટે 400 રૂ. ખર્ચ કરવો પડે તેવા સરકારના અણઘડ વહીવટ અને બેરોજગાર યુવાનોની ક્રુર મજાક કરતી ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા એટલે કે 2018માં તલાટી – કલાર્કની 2937 જગ્યા પર ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી. આ જગ્યા માટે 35 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. તલાટી – કલાર્કની ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી 20 કરોડ રૂપિયાથી વધુની પરીક્ષા ફી વસુલાઈ હતી. તલાટી – કલાર્કની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં લઇ જવાને બદલે રાજ્ય સરકારે જીલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા રદ કરીને વિધાનસભામાં કાયદાની જોગવાઈ કરીને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારે હસ્તક મેળવી લીધી છે. સરકારે આ તમામ ફોર્મ રદ કરી દીધા છે. અને ફોર્મ ફીના 110 રૂપિયા પરત લેવા માટે 400 રૂપિયા ખર્ચ કરવો પડે તેવી ભાજપ સરકારની નીતિથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારના 35 લાખ યુવાનોના સમય, શક્તિ અને નાણાં ખર્ચાશે અને ભરતી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નથી.

ડો. દોશીએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 17,265 ગ્રામપંચાયતમાં 7133 તલાટીની જગ્યાઓ સામે માત્ર 3500 જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે 5 ગામ વચ્ચે 1 તલાટી છે. આ રીતે ગતિશીલ બનશે ગુજરાત ? શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ?

ભાજપ સરકાર દ્વારા ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 34થી વધુ વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર – ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી. પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી, પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બધ કરે.

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ 1, ટેટ 2, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. તલાટી ભરતી માટે 15-15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ – પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોના મહામારીમાં લાખો નાગરીકો હેરાન પરેશાન થઇ ગયા. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી. ટેટ-ટાટ પાસ થયેલ 50,000 જેટલા યુવાનો – યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે.

(9:09 pm IST)