Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સુરતમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મતદાન કર્યુઃ ઢોલ-નગારાના તાલે મતદાન મથકે પહોંચ્‍યા

સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર સવાર થઇ મતદાન મથક પર પહોંચ્‍યા

સુરતઃ સુરતમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી ઢોલ-નગારાના તાલે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતુ. જ્‍યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું.

પ્રથમ તબક્કામાં આજે દક્ષિણ ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. જે ભાજપનો ગઢ ગણાય છે. સુરત એટલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ, સુરત એટલે હર્ષ સંઘવીનો ગઢ, ત્યારે સુરતમાં આજે પાટીલ પરિવારે વટ પાડ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પોતાના આખા પરિવાર સાથે વોટ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પરિવારે ઢોલના તાલે મતદાન કર્યુ હતું. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું. તો સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા. 

પરિવાર સાથે મતદાન કર્યા બાદ સીઆર પાટીલે અપીલ કરી હતી કે, આજે મતદાનનો દિવસ છે, બધા મતદાન જરૂર કરે તેવી મારી અપીલ છે. સૌથી વધુ જીતવાના, સૌથી વધુ લીડ સાથે જીતવાનો અને સૌથી વધુ વોટ શેરનો રેકોર્ડ આજે તોડવો છે.

તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યા બાદ કહ્યું કે, લોકશાહીના સૌથી મોટા ઉત્સવમાં ગુરજાતન યુવા સાથે, માતાઓ, અનેમતદારોને અપીલ કરું છું કે ઉત્સવને ઐતિસાહિક ઉત્સવ બનાવવામાં આવે. નવો ઈતિહાસ લખવામાં આવે. લોકશાહીના પર્વને હજી મોટો બનાવો તેવી મારી અપીલ છે. 

આ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રસ્તા પર બેસી ચા પર ચર્ચા કરી હતી. 

સુરતના મેયર હેમાલી બોઘાવાલા આજે સાયકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. એકલા જ મતદાન કરવા નીકળેલા હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. તેમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે. જેથી મેં સાયકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દરેક નર નારી મતદાન કરે એ સંદેશ સાથે મેં સાયકલ સવારી કરી છે.

(5:29 pm IST)