Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ગાંધી વિચારધારાને આત્મસાત કરી, ગ્રામોદ્ધાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રાજ્યપાલ : રાજ્યપાલશ્રીએ રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

રાજકોટ તા.૩ :ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગર નજીકના રાંધેજા ખાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક સંકુલની મુલાકાત દરમિયાન અહીંની છાત્રાલયનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, ગાંધી જીવનદર્શન ભાવિપેઢી માટે પ્રેરણારૂપ છે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનમૂલ્યો સાથે શિક્ષણ આપતું પવિત્ર સ્થાન છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ સ્વરાજને સૌથી મહત્વનું ગણાવ્યુ હતું, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, ગાંધી વિચારધારાને આત્મસાત કરીને ગ્રામોદ્ધાર દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ. 

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગાંધીજીના જીવન-કવન ઉપરથી પ્રેરણા મેળવી વિદ્યાર્થીઓ જીવનના અનુશાસનને શીખે તેમ જણાવી ઉમેર્યું હતું કે, મનના સદવિચારો વાણીમાં ઉતરે છે અને વાણી તેવું વર્તન થાય ત્યારે વ્યક્તિ મહાન બને છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, માતા-પિતા અને ગુરુ જ એવી વ્યક્તિ છે, જે તેમના પાલ્યની નિરંતર ઉન્નતિ ઇચ્છે છે આથી જ આ ત્રણેય ઇશ્વરતુલ્ય છે, તેમને સન્માન આપવું જોઈએ. રાજ્યપાલશ્રીએ ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સિમિત નથી પરંતુ એક વિચારધારાનું પણ શિક્ષણ છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને મહાપુરૂષોના જીવન ચરિત્રને વાંચવા અને પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો. 

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ રાંધેજા સંકુલમાં આવેલાં મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, ગ્રામ પ્રબંધન કેન્દ્ર, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પ્રાકૃતિક કૃષિના “મોડેલ સેન્ટર” તરીકે વિકસાવવા માર્ગદર્શન આપ્યુ હતું. રાજ્યપાલશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને ગુરુકુળ કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિની ત્રિ-દિવસીય તાલીમ મેળવવા અનુરોધ કર્યો હતો, જેથી અહીંના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષણ કેન્દ્રની શુરૂઆત થઈ શકે. તેમણે ગૌ-શાળાની પણ મુલાકાત લીધી હતી અને દેશી ગાયની નસલ સુધારણા માટે અનુરોધ કર્યો હતો. 

ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા સંકુલની મુલાકાત પ્રસંગે વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખિમાણી, કાર્યકારી સચિવશ્રી નિખિલ ભટ્ટ, રાંધેજા પરિસરના સંયોજક ડૉ. રાજીવ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. વી. કે. ગર્ગ, ગ્રામીણ પ્રબંધન કેન્દ્રના અધ્યક્ષા ડૉ. મયુરી ફાર્મર તેમજ ડૉ. ડોલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. 

 

(7:21 pm IST)