Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મતદાર સહભાગીતા વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સરકારી વિભાગો-ખાનગી સંસ્થાઓ સાથે MoU

અલિપ્ત વર્ગના સમુદાયને મતદાનલક્ષી સેવાઓનો લાભ મળે તે માટે સહયોગ મેળવવા વિકસતી જાતિ-સમાજ સુરક્ષા વિભાગ સાથે MoU કરવામાં આવ્યા; બહોળી સંખ્યામાં માનવબળ ધરાવતા સંગઠનોનો સહયોગ લેવામાં આવશે

અમદાવાદ :રાજ્યમાં મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે ચૂંટણીલક્ષી સેવાઓને વ્યાપ વધે તે માટે મોટી સંખ્યામાં સીધી કે આડકતરી રીતે સમાજના મોટા વર્ગ સાથે સંકળાયેલા હોય તેવા સરકારી-બિન સરકારી સંગઠનોનો સહયોગ લઇ ચૂંટણીમાં મતદારોની સહભાગીતા વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા એવા સરકારી –બિન સરકારી સંગઠનો સાથે સમજૂતિ કરાર કરવામાં આવશે. તેવી જ રીતે રાજ્યભરમાં ફેલાયેલી સહકારી સંસ્થાઓ કે જે મોટી સંખ્યામાં સભાસદો ધરાવે છે, તેમની પાસેથી  સહયોગ મેળવવામાં આવશે.

    દિવ્યાગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે કેટલીક વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.આ સુવિધાઓ જેવી કે, મતદાન મથક ઉપર રેમ્પ, મદદનીશ સહાય, લાઇનમાંથી મુક્તિ, પોસ્ટલ બેલેટથી મતદાન, વાહન જેવી ખાસ સુવિધાઓ તેઓની માંગણી અન્વયે પૂરી પાડવામાં આવે છે. આ માટે દિવ્યાંગોએ મદદનીશ ચૂંટણી અધિકારીને અગાઉથી જાણ કરવાની રહે છે. દિવ્યાંગો PwD એપ ઉપર પણ આ અંગે જાણ કરી મતદાનના દિવસે સુવિધા મેળવી શકે છે. આ બાબતે રાજ્યના સમાજ સુરક્ષા વિભાગનો સહયોગ લઇ દિવ્યાંગ મતદારોને મળવાપાત્ર સુવિધા વિશે માહિતીગાર કરવા તથા ખાસ દિવ્યાંગ મતદારો માટેની ચૂંટણી પંચની PwD  એપ દિવ્યાંગો પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરે અને તેમાં દિવ્યાંગ મતદાર તરીકે પોતાને ચિન્હીત કરે તે માટે સહયોગ મેળવવા સમાજ સુરક્ષા વિભાગ સાથે સમજૂતિ કરાર (MoU) કરવામાં આવ્યા હતા.સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પણ આ બાબતે પુરતો સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

 રાજ્યમાં વિચરતી જાતિના સમુદાય કે જેઓ સ્થળાંતર કરતા રહેતા હોય છે.તેમને પણ મુખ્ય  ધારામાં લાવવા તથા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિકસતી જાતિ વિભાગનો સહયોગ મેળવવા સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.

   મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિકસતી જાતિ વિભાગના નિયામક એન.એ.નિનામા અને સમાજ સુરક્ષા વિભાગના નિયામક પ્રકાશ સોલંકી સાથે દિવ્યાંગ મતદારો અને વિચરતી જાતિ સમુદાયના મતદારોની સહભાગીતા માટેના MoU  કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે વિકસતી જાતિના નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે, વિભાગ દ્વારા દિવ્યાંગો માટે મતદાન મથકો માટે ખાસ પ્રકારના રેમ્પ બનાવવા પ્રાથમિકતા આપવામાં આવશે અને આ અંગે જિલ્લા કલેકટર અસાથે સંકલન કરવામાં આવશે. જેથી મતદાનના દિવસે દિવ્યાંગોને મતદાન કરવા માટે સરળતા રહે છે.

  આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ સહિત ચૂંટણી વિભાગના  અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(9:45 pm IST)