Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરતનાં SUDAનાં અધિકારી વિરુધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો : આવક કરતાં 37% વધારે મિલકત મળી

અધિકારીની કાર્યકાળ દરમિયાનની આવક રૂ.90.76 લાખ થઈ પરંતુ મિલકત તેના કરતાં રૂ.34.14 લાખ વધારાની નોંધાઈ

સુરત તા.03 : સુરત SUDA સેકન્ડ ક્લાસ ઓફિસર તરીકે કામ કરતા જૂનિયર નગર નિયોજકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  જે અંગેની મળતી માહિતી મુજબ, અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન આવક કરતા 37 ટકા વધારે એટલે કે રૂ.34 લાખની મિલકત ગેરકાયદેસર રીતે વસાવી હોવાથી અધિકારીની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુરત સુડામાં તા.01-01-2012 થી તા. 30-06-2018 સુધીના સમયગાળા દરમિયાન જૂનિયર નગર નિયોજક તરીકે નોકરી કરતા ક્લાસ-ટુ ઓફિસર ખેર મહંમદ જાન મહંમદ સીંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન વધારે પડતી સંપતિ ભેગી કરી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. ખેર મહંમદએ પોતાની આવક કરતા વધારે પ્રમાણમાં લાંચ લઇને વધારે મિલકતો વસાવી હોવાની ફરિયાદના આધારે એસીબી દ્વારા તપાસ કરાઇ હતી.

જેના આધારે પોલીસે તપાસ કરતા ખેર મહંમદના ટાઇમ પીરિયડમાં તેની આવક રૂ..90.76 લાખ થઇ હતી, જ્યારે તેની સામે ખેર મહંમદએ રૂ.34.14 લાખ વધારાની એટલે કે 37.62 ટકા વધારે મિલકતો વસાવી હોવાનું ધ્યાન ઉપર આવતા પોલીસે ખેર મહંમદની સામે ગુનો નોંધ્યો હતો.

એસીબી પોલીસના જણાવ્યા પ્રમાણે ખેર મહંમદ સને-1985માં સર્વેયર તરીકે ભરતી થયા હતા, ત્યારબાદ તેમની નિમણૂક નગર રચના અધિકારી તરીકે કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેઓએ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું જાણવા મળ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જો ખરેખર તપાસ કરવામાં આવે તો કલેક્ટર વિભાગ તેમજ સુરત મહાનગરપાલિકા વિભાગ ની અંદર મોટા પ્રમાણમાં અધિકારીઓની બે નંબરી આવક મળી આવે એમ છે.

ખરેખર કરપ્શનનો મોટો સૌથી સ્રોત હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. પોલીસ ખાતું તો હર હંમેશ ની જેમ બદનામ થઈ જ ગયું છે. પણ સૌથી વધુ કરપ્શન રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની અંદર થતા હોવાના લોકો આક્ષેપ કરતા હોય છે. હાલ તો એસીબીની તપાસમાં ખેર મહંમદ પાસે અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:10 pm IST)