Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

હુરતીપણું હાચવવા ‘હુરતી' શબ્‍દોની ડિક્‍શનરી બઇની

યુનિ. ના અધ્‍યાપકો, તજજ્ઞોએ ૩૨૦૦ તળપદા શબ્‍દો, ઉચ્‍ચારણો સાથેનો સુરતી શબ્‍દકોષ તૈયાર કર્યો : ‘પોયરો', ‘પોરી', ‘ઘર પાંહે', ‘આઇવો', ‘હવાર' જેવા રોચક ઉચ્‍ચરણોનું શબ્‍દકોશમાં આલેખન

સુરત,તા. ૪: ‘સુરતનું જમણ અને કાશીનું મરણ' ઉક્‍તિને ચરિતાર્થ કરતા સુરતની ખાણીપીણી તો દેશ-વિદેશમાં વખણાય જ છે, પરંતુ તે સાથે અસ્‍સલ ઉચ્‍ચારણો અને તળપદા શબ્‍દો સાથેની સુરતી બોલી પણ એટલી જ જાણીતી છે. ‘પોયરો', ‘પોરી', ‘ઘર પાંહે', ‘આઇવો', ‘હવાર'  સહિતના સંખ્‍યાબંધ શબ્‍દો, ઉચ્‍ચારણો આજેય પણ અસ્‍સલ સુરતીઓના મોઢે અવારનવાર સાંભળવા મળે છે. જોકે. આ તળપદા શબ્‍દો, ઉચ્‍ચારણોને શબ્‍દકોશમાં સ્‍થાન મળ્‍યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અધ્‍યાપકો અને તજસોખએ ૩૨૦૦ તળપદા સુરતી શબ્‍દો. ઉચ્‍ચારણો સાથેનો સુરતી શબ્‍દકોશ તેયાર કર્યો છે. શબ્‍દકોશમાં રોચક તળપદા શબ્‍દોની સાથે જ અસ્‍સલ સુરતીઓની રોજિંદી વાતચીતમાં આવતા ઉચ્‍ચારણો. વાક્‍યોનો પણ ઉલ્લેખ કરાયો છે.

વીર નર્મદ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્‍યાપક ડો. ભરત ઠાકોર, પ્રો. જશુભાઈ પટેલ અને અન્‍ય અધ્‍યાપકો, સુરતી ભાષાના તજજ્ઞો સહિત ૧૧ સભ્‍યોની કમિટી દ્વારા એક વર્ષની જહેમત બાદ હિન્‍દી-સુરતી શબ્‍દકોશ તૈયાર કરવામાં આવ્‍યો છે. આ શબ્‍દકોશમાં ૩૨૦૦ તળપદા શબ્‍દોનો સમાવેશ કરાયો છે. હિન્‍દી ભાષામાં બોલાતા શબ્‍દોનું સુરતી ભાષામાં થતા ઉચ્‍ચારણનો ઉલ્લેખ શબ્‍દકોશમાં કરાયો છે. અધ્‍યાપક ડો. ભારત ઠાકોરે જણાવ્‍યું હતું કે, સુરતમાં પરપ્રાંતીય લોકોની વસ્‍તી વધવાની સાથે જ વધુને વધુ લોકો સુરતી બાલી વિશે જાણી શકે એ માટે શબ્‍કકોશ તૈયાર કર્યો છે. સુરતી ભાષા, બોલીની એક અલગ વિશેષતા છે. તેને આધારે હિન્‍દી પાઠયપુસ્‍તકોના ૩૨૦૦ આધારભૂત શબ્‍દો લેવામાં આવ્‍યા છે. આ સાથે જ સુરતી ભાષામાં વ્‍યવહારિક વાર્તાલાપના ૧૦ પાઠનાં સમાવેશ કરાયો છે. (૨૨.૫)

સુરતી બોલીની વિશેષતાઃ અહીં ‘શ,ષ,સ'ની જગ્‍યાએ ‘હ' બોલાય છે

શબ્‍દકોશમાં સુરતી બોલી, ભાષાની વિશેષતા, ઉચ્‍ચારણના પ્રકારનો ઉલ્લેખ કરાયો છે. જે મુજબ, અસ્‍સલ સુરતી ભાષામાં ‘શ,ષ,સ'ની જગ્‍યાએ ‘હ' બોલાય છે. ‘હ' શ્રુતિનો અભાવ અને ‘હ'નો લોપ જોવા મળે છે. તેમાં ‘હું'ની જગ્‍યાએ ‘ઉ', ‘હવે'ની જગ્‍યાએ ‘અવે', ‘કહુ'ની જગ્‍યાએ ‘કઉ', ‘નહીં'ની જગ્‍યાએ ‘ની' બોલાઇ છે. આ સિવાય અન્‍ય તળપદા શબ્‍દોમાં ‘તમે'ની જગ્‍યાએ ‘ટમે', ‘થોડા'ની જગ્‍યાએ ‘ઠોડા',‘પંદર'ની જગ્‍યાએ ‘પંડર', ‘શાક'ની જગ્‍યાએ ‘હાક', ‘સારો',ની જગ્‍યાએ ‘હારો', ‘વલસાડ'ની જગ્‍યાને ‘વલહાડ', ‘પારણુ'ની જગ્‍યાએ ‘પાણ્‍ણુ',‘ગળે'ની જગ્‍યાએ ‘ગલે', ‘મળવા'ની જગ્‍યાએ ‘મલવા' બોલાઇ છે.

(10:15 am IST)