Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

પ્રોજેકટ લાયન હેઠળ

સિંહોનું સ્‍થળાંતર સૌરાષ્‍ટ્રની બહાર કયાંય નહીં કરાય

અમદાવાદ તા. ૪ : નેશનલ ટાઇગર કઝર્વેશન ઓથોરીટી (એનટીસીએ) જે પ્રોજેકટ લાયન સંભાળી રહી છે તેણે સ્‍પષ્‍ટતા કરી છે કે, વાઇલ્‍ડ લાઇફ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડિયા (ડબલ્‍યુઆઇઆઇ) દ્વારા ર૦ર૦ માં સિંહોના સ્‍થળાંતર માટે કરાયેલ ભલામણોને કેન્‍દ્રએ ધ્‍યાનમાં નથી લઇ રહ્યું. એનટીસીએ એ બરડા ડુંગર સહિત રાજયમાં જ સાતથી આઠ જગ્‍યાઓ સિંહો માટે રહેવા લાયક હોવાની વાત કરી છે.
વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓની એક મીટીંગ બુધવારે ગાંધીનગરમાં થઇ હતી. આ પ્રોજેકટનો ભાગ એવા અધિકારીઓએ કહયું કે બરડા ડુંગરમાં માલધારીઓને કુટુંબ દીઠ ૧પ લાખ રૂપિયા અને અન્‍ય જગ્‍યાએ જમીન આપવા માટેની હિલચાલ શરૂ કરાઇ છે. સિંહોનું બરડામાં સ્‍થળાંતર કરવાની કાર્યવાહી ર૦ર૦ થી પેન્‍ડીંગ છે.
અધિકારીઓએ કહયું કે ડબલ્‍યુઆઇઆઇની પ્રયોઝલ અનુસાર, ગુજરાતમાં સિંહોના સ્‍થળાંતર માટે જેસોર - બાલારામ અંબાજી વાઇલ્‍ડ લાઇફ સેન્‍કરમુરી  અને તેનો આજુબાજુનો વિસ્‍તાર સિંહોના વિસ્‍તાર તરીકે વિકસાવવામાં આવે. જો કે વન વિભાગ સિંહોનું સ્‍થળાંતર જેસોર-બાલારામ ખાતે કરવા તૈયાર ન હોતો કેમ કે ત્‍યાં હરણોની વસ્‍તી મર્યાદિત છે.
અધિકારીએ કહયું કે પ્રોજેકટ લાયન માટે વીઝન ડોકયુમેન્‍ટ, ૧૦ ઓગસ્‍ટે વિશ્વ સિંહ દિવસે મોટા ભાગે જાહેર કરવામાં આવશે.

 

(10:56 am IST)