Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સરેરાશ ૭૩૪૭૭ પશુધન દિઠ માત્ર ૧ પશુ ચિકિત્‍સા અધિકારી : ‘લમ્‍પી'માં સરકાર નિષ્‍ફળ

ગૌમાતાઓ કઇ રીતે બચશે ? સરકાર પર મનિષ દોશીના પ્રહારો

અમદાવાદ તા. ૪ : રાજ્‍યમાં ૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્‍સા અધિકારી,૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્‍ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્‍હાહિત બેદરકારી પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્‍ય પ્રવક્‍તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં ડોક્‍ટરો - પેરામેડીકલ સ્‍ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્‍યા તેવી જ રીતે લમ્‍પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુગા પશુઓ મોતને ભેટી રહ્યા છે.

ગુજરાતમાં પશુચિકિત્‍સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્‍યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જીલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્‍ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્‍સકની ૨૯૦ જગ્‍યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્‍ટની ૨૯૪ જગ્‍યા ખાલી છે. પટાવાળાની ૪૦૫ જગ્‍યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્‍સક અધિકાર એટલે કે ૨૬,૨૫૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્‍ટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્‍ધ છે.

ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ, નર્મદા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્‍દ્રનગર જીલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્‍ટાફને અભાવે પશુધનની પરિસ્‍થિતિ સતત કથળી રહી છે. લમ્‍પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્‍છમાં ૨૦,૦૦૦ થી વધુ ગાયમાતાના મોત થયાની વિગતો સામે આવી છે. ‘જયાં રસી હોય ત્‍યા સ્‍ટાફ ન હોય, જયાં સ્‍ટાફ હોય ત્‍યા રસી ના હોય' આ ભાજપની ગૌમાતા પ્રત્‍યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે.

(11:38 am IST)