Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગુજરાતમાં ૪ નવી રેલવે લાઇનો સહિતના કુલ રૃા. ૩૦૭૪૧ કરોડખ્ના ૩૪ પ્રોજેકટ

આ વખતના બજેટમાં ૩૩૨૭ કરોડ ફાળવાયાઃ નરહરિ અમીનને મંત્રીનો જવાબ

રાજકોટ તા. ૪ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા રેલવે દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં નવી રેલવે લાઇનો, ગેજ પરિવર્તન, વિદ્યુતીકરણ અને સિગ્નલીંગ અંગેના થયેલ કામોની વિગતો પ્રશ્ન પૂછવામાં આવતા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવેલ કે, વર્ષ ૨૦૧૭-૧૮થી વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત સહિત ભારતીય રેલવે દ્વારા નવી લાઇનોના ૧૮૨૪, ગેજ પરિવર્તનના ૨૫૬૫ અને લાઇન ડબલીંગના ૮૫૭૩ એમ કુલ ૧૨૯૬૨ કિમીના કામો હાથ ધર્યા છે.

આ જ વર્ષો દરમિયાન ભારતીય રેલવે દ્વારા વિદ્યુતિકરણના ગુજરાત સહિત ૧૬૦૯૪ કિમી લંબાઇ, ૭૬ પ્રોજેકટ રૃા. ૨૨,૨૨૩ કરોડના ખર્ચે હાથ ધર્યા છે. તા. ૧-૪-૨૦૨૨ની સ્થિતિએ, ગુજરાતમાં ૪૭૯ કિ.મી.ની નવી લાઇનો નાંખવાના ૪ પ્રોજેકટ રૃા. ૫૪૧૭ કરોડના ખર્ચે જુદા-જુદા તબક્કે હાથ ધર્યા છે. જેમાં ૭૯ કિ.મી.ના કામ રૃા. ૧૯૧૩ કરોડના ખર્ચે હાલ ચાલુ છે. ૧૬૩૬ કિ.મી.ના ગેજ પરિવર્તનના ૧૯ પ્રોજેકટ રૃા. ૧૦૦૭૭ કરોડના ખર્ચે હાથ ધર્યા છે. જે પૈકી ૬૪૧ કિ.મી.ના કામ રૃા. ૩૫૮૯ કરોડના ખર્ચે હાલ ચાલુ છે.

૧૬૧૨ કિ.મી. લંબાઇના લાઇન ડબલીંગ કરવાના ૧૧ પ્રોજેકટ રૃા. ૧૫૨૪૬ કરોડના ખર્ચે હાથ ધર્યા છે, જે પૈકી ૩૩૩ કિ.મી. લંબાઇના કામ રૃા. ૪૫૮૩ કરોડના ખર્ચે ચાલુ છે. ગુજરાતમાં ૩૮૬૮ કિ.મી. બ્રોડગેજ રૃટ પૈકી ૨૫૩૯ કિ.મી. બ્રોડગેજ રૃટ પર જૂન ૨૦૨૨ સુધી વિદ્યુતિકરણના કામો પૂરા થયા છે, બાકીના રૃટ પર કામ હાલ ચાલુ છે. છેલ્લા પાંચ વર્ષમાં રૃા. ૬૬.૩૭ કરોડના ખર્ચે ૩ સિગ્નલીંગ પ્રોજેકટ પૂર્ણ થયા છે. બાકીના રૃા. ૨૨૭૧.૫૭ કરોડના ૫ સિગ્નલીંગ પ્રોજેકટ જુદા-જુદા તબક્કે ચાલુ છે.

વર્ષ ૨૦૧૪થી રેલવેના માળખાકીય સગવડો અને સલામતીના કામો માટે અંદાજપત્રમાં સારી એવી રકમ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં અંશતઃ પૂર્ણ રીતે પસાર થતા રૃટોના કામો માટે દર વર્ષે રૃા. ૩૩૨૭ કરોડ સુધી બજેટ ફાળવણીમાં વધારો કર્યો છે, જે વર્ષ ૨૦૦૯-૧૮ દરમિયાન વાર્ષિક રૃા. ૫૮૯ કરોડ જેટલી હતી. વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષ માટે રેલવે પ્રોજેકટસ માટે રૃા. ૪૭૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમ રેલમંત્રીએ સાંસદ શ્રી નરહરિ અમીનને માહિતી આપી હતી.

(4:47 pm IST)