Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે : ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો,નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો મહત્વનો નિર્ણય : સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કાલે ૦૫મી ઓગસ્ટે ગાંધીનગર ના ઇસનપુર મોટા ગામેથી કરાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનના ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.૩૫૦૦લાખની જોગવાઈ : નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ ૨ થી ૩ ગામોના ૧૫૦૦ એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ : નવી યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર ૨૮ જુલાઈ-૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે : સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે :ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે

રાજકોટ તા.૪ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.૩૫૦૦લાખની જોગવાઈ કરવામાં અવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા,FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. 

 

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ૦૫મી ઓગસ્ટે રોજ સવારે ૯.૦૦ કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન શ્રી દિલિપભાઇ સંઘાણી  ઉપસ્થિત રહેશે.

 

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતેથી અને કૃષિ રાજય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે.જયારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમા આજ દિવસે શુભારંભ કરવામાં આવશે.  

 

કૃષિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ રૂ.૧૨૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.જેના થકી ૧૫૦૦ એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.૨૩૦૦લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.૨૮ જુલાઈ ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યોજનામાં સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે તેમજ જમીન ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. 

 

તેમણે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે તેમ જણાવતાં કહ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત ૨૦ મીનીટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે.જેમાં રસાયણનો ૯૦% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે.રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો હતો.

(3:39 pm IST)