Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડોદરાના યશ ભાલાવાળાએ રમતના ટીમ પ્રબંધક તરીકે ઇંગ્‍લેન્‍ડના બર્મિંગહામ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં જોડાઇને ગુજરાતને ગૌરવ અપાવ્‍યુ

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના બેડમિન્‍ટન કોચ જયેશ ભાલાવાળાના પુત્રની સિદ્ધિ

વડોદરાઃ વડોદરાના યશ ઇંગ્‍લેન્‍ડના બર્મિંગહામમાં યોજાનાર કોમનવેલ્‍થ ગેમ્‍સનો કોચ કમ મેનેજર તરીકે ગુજરાત ટીમનું પ્રતિનિધીત્‍વ કરશે. જેમાં ઇ સ્‍પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડીયાની બે ટીમો હેઠળ 10 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ મેદાની નહીં પરંતુ ઇલેકટ્રોનિક્‍સ એટલે કે વિજાણુ જ્ઞાન આધારિત છે. બુદ્ધિની સાથે ચપળતાની કસોટી કરે છે.

ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં હાલમાં કોમનવેલ્થ ગેમ્સનો મહા રમોત્સવ ચાલી રહ્યો છે. હાલમાં એની અને ભારતીય ખેલાડીઓના તેમાં ઉજળા દેખાવની ચર્ચા ચાલી રહી છે.ટેબલ ટેનિસની પુરુષ ટીમના વિજયમાં ગુજરાતના હરમીત દેસાઈનો સિંહ ફાળો રાજ્યને ગૌરવ અપાવી રહ્યો છે. જો કે વડોદરાનો યશ જયેશ ભાલાવાળા અત્યારે ઉપરોક્ત ગેમ્સના સ્થળે ખેલાડી તરીકે નહિ પણ એક ઉભરતી રમતના ટીમ પ્રબંધક તરીકે ઉપસ્થિત છે અને વડોદરા તથા ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સની મેદાની રમતોની ખૂબ ચર્ચા થઈ રહી છે પરંતુ તેની સાથે ત્યાં કોમનવેલ્થ ઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ છે જેની ભાગ્યે જ કોઈને ખબર છે. ઈ સ્પોર્ટ્સ એટલે મેદાની નહિ પણ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે વિજાણુ જ્ઞાન આધારિત પ્લેટફોર્મ પર રમાતી રમત. જે બુદ્ધિની સાથે ચતુરાઈ અને ચપળતાની કસોટી કરે છે. આ અનોખી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા વિવિધ દેશના ફેડરેશનો એ તેમની ટીમો મોકલી છે. જેમાં ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બે ટીમો હેઠળ ૧૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. યશ આ ટીમો સાથે મેનેજર કમ કોચ તરીકે જોડાયો છે.

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એ ગ્લોબલ ઈ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે એક્સપ્લોરેટરી પાર્ટનરશીપ કરી છે જેના હેઠળ આ ચેમ્પિયનશીપ યોજાઈ છે. તેનો આશય આ પ્રકારના મેગા સ્પોર્ટ્સ આયોજનોમાં eSports ના સમાવેશની શક્યતાઓ ચકાસવાનો છે. યશ આમ તો બેડમિંટનનો ખેલાડી છે અને એન્જિનિયર થયાં પછી એણે સ્પોર્ટ્સમાં એમ.બી.એ. કર્યું છે. હાલમાં તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવીદિલ્હી કચેરીમાં વહીવટી પદ પર કાર્યરત છે.

ઈ સ્પોર્ટ્સ તેના રસનો વિષય છે અને આ ટેકનોલોજીના યુગની રમતોના વાતાવરણ નિર્માણમાં તે ખૂબ રસ લઈ રહ્યો છે.તે ઈ સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાતનો સેક્રેટરી છે અને ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હોવાથી તેને ઉપરોક્ત ચેમ્પિયનશિપની સ્પર્ધક બે ભારતીય ટીમો રોકેટલીગ ગેમ પ્લે અને ડોટાના પ્રબંધકની જવાબદારી સોંપવામાં આવી છે. યશ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યશસ્વી બેડ મિંટન કોચ જયેશ ભાળાવાલાના સુપુત્ર છે.

(5:34 pm IST)