Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઇ કગથરાનું નિવેદનઃ ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્‍યો જ નથી તો આમ આદમી પાર્ટીની શું વિશાત?

ઉંઝામાં શ્રી ઉમીયા માતાજીના દર્શને સૌરાષ્‍ટ્રના અગ્રણી કોંગ્રેસી નેતા

મહેસાણાઃ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી માટે સજ્જ થઇ રહી છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઇ કગથરાએ મહેસાણામાં મોટેરા સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ જણાવ્‍યુ હતુ કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્‍યારેય સફળ રહ્યો નથી તો આમ આદમી પાર્ટી કેવી રીતે ટકી શકે ? ત્‍યારબાદ તેઓ ઉંઝા મા ઉમિયાના દર્શનાર્થે નીકળી ગયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. મહેસાણા પહોંચેલા લલિત કાગથરા એ મોઢેરા સર્કલ પર સરદાર પટેલની પ્રતિમાને સૌ પ્રથમ ફુલહાર કર્યા હતા. મહેસાણા હાજરી આપ્યા બાદ તેઓ મા ઉમિયાના દર્શનાર્થે ઊંઝા પહોંચ્યા હતા.

લલિત કાગથરાએ નિવેદન આપ્યું હતું કે, Aicc એ પોતાની પાટીદાર આગેવાન તરીકે નિમણૂક કરી છે. ત્યારે ઉંઝા મા ઉમિયા માતાજીના દર્શનની ભાવના હતી એટલે આવ્યો છું. 2022ની ચુંટણીમાં ભાજપ સામે લડવાની તાકાત મા ઉમિયા આપે. ભાજપ કે જે ગુજરાતને બેહાલી તરફ લઈ જઈ રહી છે એની સામે લડવાની તાકાત મા આપે. એવા આશીર્વાદ લેવા પહોચ્યો છું.

કોંગ્રેસ પાર્ટી રણશિંગુ ફૂંકી રહી છે. ત્યારે કોંગ્રેસથી નારાજ કેટલાક આગેવાનો મુદ્દે લલિત કાગથરા એ જણાવ્યું હતું કે, પાર્ટીમાં લલિત કગથરા જાય તો પણ પાર્ટી તો છે જ. કોંગ્રેસ પાર્ટી વિચારોથી ભરેલી પાર્ટી છે. જે સમગ્ર સમાજને લઈને કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. શરદ પવાર પણ કોંગ્રેસમાંથી ગયા છે. 2022માં યુવાનો નોકરી માંગે છે. યુવકો તડપી રહ્યા છે નોકરી માટે, સ્યુસાઈડ કરે છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, મોરબીમાં 1000 જેટલા સિરામિક ઉદ્યોગ 10 તારીખથી બંધ થઈ ગયા છે. મોંઘવારી 80 ડોલરે પહોંચી છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

તો આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવા નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં ધુરંધરો નથી ચાલ્યા તો આમ આદમી કઈ વાડીનો મૂળો છે ?

નોંધનીય છે કે, ઉંઝામાં ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન બાદ હજુ ચુંટણી થઈ નથી, ત્યારે લલિત કાગથરાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉંઝાને ભાજપે ધારાસભ્ય વગર કેમ બાકી રાખ્યું છે એ સમજાતું નથી. ક્યાંક એવું પ્રતિનિધિત્વ આવી જતું હતું? કે જેને મુખ્યમંત્રી બનાવવા પડે! એના માટે ભાજપે ઉંઝામાં પેટા ચુંટણી કરી નથી?

(5:39 pm IST)