Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાંથી નવો કારીગર 15 મિનિટમાં 4.53 લાખના હીરા ચોરી રફુચક્કર

સુરત: કતારગામ બંબાવાડી સ્થિત હીરાના કારખાનામાંથી નવો કારીગર પહેલા જ દિવસે માત્ર 15 મિનિટમાં રૂ.4.53 લાખના હીરા ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ બંબાવાડી રામેશ્વર બિલ્ડીંગના પહેલા માળે શૈલેષભાઈના હીરાના કારખાનામાં 40 કારીગરો જુદાજુદા કામ કરે છે. ગત બપોરે 4 થી 4.15 ના અરસામાં કારખાનામાં હીરાની દોરી મારવાના કામ પર ગતરોજ જ નોકરીએ લાગેલો નવો કારીગર વિક્રમ મુકેશ માળી ( ઉ.વ. આશરે 20 ) રૂ.4,53,200 ની મત્તાના 11 કેરેટ 33 સેન્ટના તૈયાર હીરા ચોરી ફરાર થઈ ગયો હતો.આ અંગે ટેબલ ઘુંટવાનું કામ કરતા કારીગર હિંમતભાઇ કલસરીયાએ ફોન કરી કામઅર્થે વરાછા ગયેલા કારખાનાના મેઈન મેનેજર શૈલેષભાઈ ધીરુભાઈ કોલડીયાને જાણ કરતા તે દોડી આવ્યા હતા. તેમણે પહેલા તો વિક્રમની શોધખોળ કરી હતી પણ તે મળ્યો નહોતો.આથી કારખાનામાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો તેમાં વિક્રમ ચોરી કરતો નજરે ચઢ્યો હતો. ચોરી અંગે શૈલેષભાઈએ બાદમાં કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિક્રમની શોધખોળ આદરી છે.

(5:53 pm IST)