Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આઇસર ટેમ્પો ભાડે લીધા બાદ પરત ન કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ દાખલ

વડોદરા: પાણીગેટ વિસ્તારમાં રહેતા સિલાઇકામ કરતા કારીગરનો આઇસર ટેમ્પો ભાડેથી ફેરવવા માટે લીધા બાદ ચાર વર્ષથી ભાડું અને ટેમ્પો પરત નહી આપતા અમદાવાદના ભેજાબાજો સામે ફરિયાદ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પાણીગેટમાં ભદ્ર કચેરીરોડ પર શેખ ફરીદ મહોલ્લામાં રહેતા મોહંમદ શરીફ હુસેનભાઇ દિવાને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા મનસુખ હીરાલાલ પ્રજાપતિ, જૈનીક જયેશ પ્રજાપતિ અને માયા બળદેવજી પ્રજાપતિ સામે સિટિ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  જૂન-૨૦૧૫માં આઇસર ટેમ્પો ખરીદ્યો  હતો પરંતુ ધંધો બરાબર ચાલતો નહી હોવાથી તેને ભાડે આપવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદમાં રહેતા મારા ભાણેજ દ્વારા ટેમ્પો ભાડે આપવા મનસુખ પ્રજાપતિ સાથે નક્કી થયું હતું અને મહિને રૃા.૫૫ હજાર ભાડા અંગે નોટરી કરાર પણ થયા હતાં. જો કે ભાડેથી આઇસર ટેમ્પો લીધા બાદ મનસુખ દ્વારા કોઇ દિવસ ભાડાની ચૂકવણી થતી ન હતી જ્યારે ટેમ્પો પરત માંગુ તો મનસુખ ટેમ્પો બાળી નાંખવાની ધમકી આપતો હતો અને જૈનીલે મારા કાકા એમએલએ છે, તારાથી થાય તે કરી લેજે, પોલીસ મારું કાંઇ બગાડી લેવાની નથી તેવી ધમકી આપી હતી.

(5:55 pm IST)