Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આણંદના જુના મોગરી રોડ પર રાત્રીના સુમારે બે પરિવારો વચ્ચે પ્રેમપ્રકરણને લઈને થયેલ મારામારીમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત

આણંદ:શહેરના જુના મોગરી રોડ ઉપર આવેલા સરદાર પટેલ પાલિકાનગરમાં ગઈકાલે રાત્રીના સુમારે બે પરિવારો વચ્ચે પ્રેમપ્રકરણને લઈને મારામારી થતાં ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે. હિનાબેન જીગ્નેશભાઈ વાઘેલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે તેણી પોતાના ઘર આગળ વાસણ ઘશતી હતી ત્યારે હર્ષદભાઈ ચન્દ્રેશભાઈ સોલંકી તેણીની સામે જોતો હતો. જેથી તેણીના પતિ જીગ્નેશભાઈએ કહ્યું હતુ કે, તુ મારી પત્ની સામે કેમ જોવ છુ તેમ કહેતા જ હર્ષદે ગમે તેવી ગાળો બોલીને નજીકમાં પડેલો પથ્થર ઉઠાવીને છુટો મારતાં જીગ્નેશભાઈને માથામાં વાગતા લોહી નીકળ્યું હતુ. બુમાબુમ થતાં તેણીનો જેઠ જીતેન્દ્રભાઈ આવી પહોંચ્યો હતો જેને સંજયભાઈ ચન્દ્રેશભાઈ સોલંકી, દિવ્યેશભાઈ રાજેસભાઈ સોલંકી અને રાજેશભાઈ મનુભાઈ સોલંકીએ ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ હર્ષદે જીગ્નેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામા પક્ષે હર્ષદભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેને અગાઉ જીગ્નેશભાઈની પત્ની હિનાબેન સાથે પ્રેમસંબંધ હોય તેની રીસ રાખીને ગમે તેવી ગાળો બોલી લાફા મારીને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ઘરના સભ્યો આવી જતાં તેમને પણ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારી જીતેન્દ્રભાઈએ પાઈપ લઈ આવી રાજેશભાઈ મનુભાઈ સોલંકીને માથામા મારી દેતાં લોહી નીકળ્યું હતુ. બુમાબુમ થતાં અન્યોએ આવીને વધુ મારમાથી છોડાવ્યા હતા. જીતેન્દ્રભાઈ અને જીગ્નેશભાઈએ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(5:56 pm IST)